loader

Breaking News


Home > Gujarat > અમદાવાદ: ભુદરપુરામાં 500 ટોળાનો હોસ્ટેલ પર હુમલો, તોડફોડ-આગચંપી.


Foto

અમદાવાદ: ભુદરપુરામાં 500 ટોળાનો હોસ્ટેલ પર હુમલો, તોડફોડ-આગચંપી.

April 17, 2018, 1:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ: અમદાવાદમાં મોડી રાત્રે આંબાવાડીના ભુદરપુરા ખાતે આવેલી નૈનાબા જાડેજા હોસ્ટેલ પર 500થી વધુ લોકોનાં ટોળાએ હુમલો કરતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો. લગભગ 10.30 વાગે શરૂ થયેલી આ ધમાલ રાત્રે 1.00 વાગ્યા સુધી ચાલુ હતી. દારૂ પીધેલી એક વ્યક્તિએ કરેલી બબાલ બાદ મામલો બિચક્યો હતો. પોલીસને જાણ કરી હોવા છતાં અડધો કલાક સુધી પહોંચી નહોતી. એટલું જ નહીં ફાયરબ્રિગેડનાં વાહનોને પણ અટકાવાયાં હતા. લગભગ 1 કલાક બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હોસ્ટેલ પર પહોંચી શકી હતી. આ ધમાલમાં 3 યુવાનો અને ફાયરબ્રિગેડના 1 કર્મચારીને ઇજા પહોંચી છે. તેમને વીએસમાં સારવાર આપી રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં 15થી વધુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ત્રણ યુવાન અને એક ફાયરબ્રિગેડ કર્મી ઘાયલ, 15થી વધુની ધરપકડ:

- વાહનો ફૂંક્યાં, પોલીસ અને ફાયર બ્રિગેડ પર પથ્થરમારો, લાઠીચાર્જ, 25 ટિયરગેસ

- મોડી રાત્રે ભુદરપુરામાં IAS-IPS સ્ટડી સેન્ટર પર તોડફોડ-આગચંપી

- 500ના ટોળાનો હોસ્ટેલ પર હુમલો.

- માહિતી મળી છતાં અડધો કલાક સુધી પોલીસ ફરકી નહીં.

હોસ્ટેલના વિદ્યાર્થીએ જણાવ્યું કે શું થયું હતું.

‘સાડા દસ વાગ્યે અમે પાંચમા માળે વાંચતા હતા ત્યારે દારૂ પીધેલી હાલતમાં એક વ્યકિત ઉપર આવી હતી અને લાઈટો બંધ કરી દો, અવાજ કરો નહીં અમને ડિસ્ટર્બ થાય છે તેમ કહી ગાળો બોલવા લાગી હતી. ગાળો નહીં સાંભળી શકતા અમારામાંના એક વિદ્યાર્થીએ સામી ગાળ આપી હતી. દરમિયાનમાં તે વ્યકિતની પત્ની અને દીકરી તેમને લેવા આવ્યાં હતાં અને કહ્યું કે, પીધેલી હાલતમાં આવું કરશો નહીંં’. પછી અમે વિદ્યાર્થીઓ તેમને પકડીને નીચે મૂકી આવ્યા. ત્યારબાદ તેમણે નીચે બૂમાબૂમ કરી મને માર્યો હોવાની વાતો કહેતા પંદરથી વીસ લોકોનું ટોળું ઈંટો અને દંડા લઈને ધસી આવ્યું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ જોઈને અમે ઉપર રૂમમાં જતાં રહ્યાં હતાં અને પોલીસને ફોન કરી અમારી હોસ્ટેલમાં પથ્થરમારો થાય છે તેમ કહ્યું હતું. ત્યાં સુધીમાં તો વિસ્તારના ઘણાં લોકો ભેગા થઈ ગયા હતાં.

હોસ્ટેલમાં ઘૂસી જઈ તોડફોડ કરવા લાગ્યા હતા.

હોસ્ટેલમાં ઘૂસી જઈ તોડફોડ કરવા લાગ્યા હતા. અમે અગાશીમાંથી જોયું તો અમારાં વાહનોને પણ સળગાવી દીધાં હતાં. અમે પોલીસની રાહ જોઈ પણ અડધો કલાક સુધી પોલીસ આવી નહીં. પછી એક પોલીસની ગાડી આવી પણ પૂરતો ફોર્સ નહીં હોવાથી તે પણ પાછી જતી રહી. ત્યારબાદ ફાયર કંટ્રોલને ફોન કરી આગની જાણકારી આપી ત્યારે તેઓ આવ્યા ને તેમની ઉપર પણ હુમલો થતા તે ગાડી પણ પાછી જતી રહી.આ સિલસિલા દરમિયાન પાછળની બાજુએથી પણ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેથી અમે ગભરાઈને પોલીસની રાહ જોતા રૂમ બંધ કરીને બેસી ગયા હતા. એક કલાક પછી પોલીસનો ફોર્સ આવી ટિયરગેસના સેલ છોડતા મામલો શાંત પડયો હતો. દરમિયાનમાં અમારી હોસ્ટેલના ટ્રસ્ટીઓ અને પરિચિતો આવી જતા ત્યાંથી અમે નીકળી શકયા હતા. અમારા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થતા તેમને વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

છેડતીની વાત ખોટી, દરેક ફલોર પરના સીસીટીવી ચેક કરો:

ચૈતન્ય ઝાલાને હોસ્ટેલમાં યુવતીની છેડતી સંદર્ભે પૂછતાં તેમણે કહ્યું કે, "આ વાત સાવ ખોટી છે. અમારી હોસ્ટેલના દરેક ફલોર પર સીસીટીવી છે,તેના ડીવીઆરમાં ચેક કરો.હાલ તો સત્ય પુરવાર કરી શકાય એ માટે અમે ડીવીઆર કાઢીને સલામત મૂકી દીધા છે"