loader

Breaking News


Home > Gujarat > બિટકોઇન મામલે નલિન કોટડિયાની થઇ શકે છે ધરપકડ


Foto

બિટકોઇન મામલે નલિન કોટડિયાની થઇ શકે છે ધરપકડ

May 8, 2018, 10:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. કિરીટ પાલડિયાની પૂછપરછમાં કોટડિયા વિરૂદ્ધ ચોંકાવનારા ખુલાસા બાદ સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયાને સમન્સ જારી કરી કચેરી ખાતે બોલાવ્યા હતા પરંતુ કોટડિયા હાજર રહ્યા ન હતા.



કોટડિયા ગાયબ થઇ ગયા છે, તેમનો કોઇ અત્તોપત્તો નથી અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેથી સીઆઇડી ક્રાઇમ હજુ કોટડિયાને સમન્સ મારફતે બોલાવવામાં આવ્યા છે. જો કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થાય તો તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વોરંટની બજવણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીઆઇડી ક્રાઇમે આગળની કાર્યવાહી માટેની તમામ તૈયારીઓ કરી રાખી છે, બીજીબાજુ, કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાથી રાજકીય ચર્ચા પણ ઘેરી બની છે. બિટકોઇન કૌભાંડમાં થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી પોતાની નિર્દોષતા અને ફરિયાદી શૈલેષ ભટ્ટને ખુલ્લો પાડવાની મોટી વાતો કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હવે કિરીટ પાલડિયાની ધરપકડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે, હવે સીઆઇડી ક્રાઇમનો ગાળિયો તેમની પર કસાઇ ચૂકયો છે.

બીજીબાજુ, તેમની પત્નીએ જણાવ્યું હતુ કે, તેમના પતિ કોટડિયા રવિવારે સવારથી જ ક્યાંક ચાલ્યા ગયા છે, અને હજુ સુધી પરત નથી આવ્યા. નોંધનીય વાત તો એ છે કે, કોટડિયા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ક્યાંક જતા રહ્યા છે. પાલડિયાની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે કેસની વધુ તપાસના ભાગરૂપે સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયાને ગઇકાલે સમન્સ જારી કરી બોલાવ્યા હતા. કોટડિયાને બપોરે ત્રણ વાગ્યે હાજર થવાનું હતુ પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.