loader

Breaking News


Home > Gujarat > બિટકોઇન કેસમાં એસપી જગદીશ પટેલ ડિમ્ડ સસ્પેન્શન હેઠળ રખાયા


Foto

બિટકોઇન કેસમાં એસપી જગદીશ પટેલ ડિમ્ડ સસ્પેન્શન હેઠળ રખાયા

May 4, 2018, 5:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં અમરેલીના આરોપી એસપી જગદીશ પટેલ વિરૂધ્ધ રાજય સરકાર દ્વારા બહુ મોટી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાજયના ગૃહવિભાગ દ્વારા અમરેલી એસપી જગદીશ પટેલને ડિમ્ડ સસ્પેન્શન હેઠળ ઉતારી દેવાયા છે. એટલે કે, હાલ રિમાન્ડ પર રહેલા એસપી જગદીશ પટેલ આગામી દિવસોમાં જા કોર્ટ દ્વારા જામીન પર મુકત થાય તો પણ ફરજ પર હાજર થઇ શકશે નહી.

રાજયના ગૃહવિભાગ દ્વારા આ ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીને ફરજ પર હાજર નહી કરવા સંબંધિત સત્તાવાળાઓને ખાસ આદેશ કર્યો છે. બીજીબાજુ, એસપી જગદીશ પટેલ હાલ સ્પેશ્યલ એસીબી કોર્ટ દ્વારા તા.૫મી મે સુધીના રિમાન્ડ પર સોંપાયેલા છે. જેથી તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ આ ચકચારભર્યા પ્રકરણમાં તેમની ઝીણવટભરી પૂછપરછ કરી તપાસ હાથ ધરી રહી છે.

બિટકોઇન કેસમાં અગાઉ સીઆઇડી ક્રાઇમે આરોપી એસપી જગદીશ પટેલને સ્પેશ્યલ એસીબી કોર્ટ સમક્ષ રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને તા.૧લી મે સુધીના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેની મુદત પૂરી થતાં તપાસનીશ એજન્સીએ બે દિવસ પહેલાં ફરી આરોપી એસપી જગદીશ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડ માંગ્યા હતા. જેમાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે વધુ રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી એસપી જગદીશ પટેલ રૂ.૧.૩૩ કરોડની મસમોટી રકમ મામલે કોઇ ફોડ પાડતા નથી અને તેથી તેના સમગ્ર ઘટનાક્રમ વિશે તેમની પાસેથી માહિતી કઢાવવાની છે, આ ગુનામાં મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહારો થયા હોઇ સીડીઆર એનાલિસીસ કરી ટેકનીકલ મદદથી આરોપીને સાથે રાખી તપાસ કરવી જરૂરી છે. આ કૌભાંડમાં હજુ સાત આરોપી પોલીસ કર્મચારીઓ નાસતા ફરે છે, તેથી તેઓના વિશેની માહિતી પણ આરોપી એસપી પાસેથી કઢાવવાની છે.