loader

Breaking News


Home > Gujarat > ઝીકા વાઇરસનો કહેર યથાવત, શહેરમાં વધુ 3 કેસ દેખાતા લોકોમાં ફફડાટ


Foto

ઝીકા વાઇરસનો કહેર યથાવત, શહેરમાં વધુ 3 કેસ દેખાતા લોકોમાં ફફડાટ

Oct. 27, 2018, 11:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરમાં છેલ્લાં ચાર વર્ષથી લાખો-કરોડો રૂપિયાનું આંધણ સ્વચ્છતા અભિયાન પાછળ કરાઇ રહ્યું છે. તેમ છતાં મચ્છરજન્ય રોગચાળાએ ઠેર ઠેર ગંદકીનાં કારણે માથું ઊંચક્યું છે. ડેન્ગ્યુ અને ઝેરી મેલેરિયાથી લોકો ત્રસ્ત છે. આવા સંજોગોમાં શહેરમાં વધુ એક મચ્છરજન્ય રોગચાળો ઝીકા વાઇરસનાં ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે, તો ઝીકા વાઇરસની આશંકાને પગલે તંત્ર પણ દોડતું થયું છે અને અગમચેતીનાં પગલા લેવાનું શરૂ કર્યું છે.



નોંધનીય છે કે, ગત વર્ષે શહેરમાં ત્રણ ઝીકા વાઇરસનાં કેસ નોંધાતાં ખળભળાટ મચ્યો હતો. દેશમાં ઝીકા વાઇરસના કેસના મામલે અમદાવાદ દેશનું સર્વપ્રથમ શહેર બન્યું હતું. અમદાવાદમાં ઝીકા વાઇરસનાં કેસ ગત નવેમ્બર-ર૦૧૬થી ફેબ્રુઆરીર૦૧૭ દરમ્યાન નોંધાયા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત ગત તા.ર૮ મે, ર૦૧૭એ કરતાં આ બાબત ભારે વિવાદાસ્પદ બની હતી. રાજ્ય સરકાર દ્વારા ઝીકા વાઇરસનાં સત્તાવાર કેસની જાહેરાતમાં લગભગ પાંચ મહિનાનો વિલંબ કરાતાં તેની તબીબી આલમમાં પણ ચર્ચા ઊઠી હતી, જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ) દ્વારા અમદાવાદમાં ઝીકા વાઇરસને લગતી ચેતવણી જાહેર કરાઇ હતી. અમદાવાદ બાદ રાજસ્થાનમાં ઝીકા વાઇરસનાં કેસ નોંધાયા હતા. પરંતુ હવે શહેરનાં અમરાઇવાડી, બાપુનગર અને ઇસનપુરમાં ઝીકા વાઇરસનાં ત્રણ નવા શંકાસ્પદ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી છે. એડિસ ઇજિપ્તી મચ્છરથી ફેલાતા ઝીકા વાઇરસનાં દર્દીમાં ડેન્ગ્યુ તાવ જેવા લક્ષણ જોવા મળે છે.

જાણકાર સુત્રોનાં મતે, રાજ્ય સરકારનાં હેલ્થ વિભાગ દ્વારા અમરાઇવાડી વિસ્તારમાં ઝીકા વાઇરસનાં ત્રણ કેસ સત્તાવાર કેસ નોંધાયા હોવાનું સ્વીકારાયું છે, જેના કારણે સમગ્ર અમરાઇવાડી સહિત બાપુનગર, ઇસનપુર વિસ્તારમાં ઘનિષ્ઠ સર્વે હાથ ધરાયો છે. બીજી તરફ મ્યુનિસિપલ હેલ્થ વિભાગને ઝીકા વાઇરસનાં શંકાસ્પદ કે સત્તાવાર કેસની હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા જાણ કરાઇ નથી. ગત વર્ષે પણ મ્યુનિસિપલ તંત્રને ઝીકા વાઇરસનાં મામલે અંધારામાં રખાયું હતું. આ અંગે હેલ્થનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. કુલદીપ આર્યાને પૂછતાં તેઓ કહે છે, હાલ તો, તંત્ર પાસે ઝીકા વાઇરસનાં સંદર્ભે કોઇ ચોક્કસ જાણકારી નથી પરંતુ આ બાબતે ચોક્કસ તપાસ કરાશે અને યોગ્ય પગલાં લેવાશે. બીજીબાજુ, ઝીકા વાઇરસની દહેશતને લઇને અત્યારથી લોકોમાં એક પ્રકારે ગભરાટની લાગણી ફેલાવા પામી છે.