loader

Breaking News


Home > Gujarat > ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો : પરેશ ધાનાણી


Foto

ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો : પરેશ ધાનાણી

Sept. 5, 2018, 12:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે કોંગ્રેસ ઉપર કરેલાં આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતો પ્રત્‍યે સંવેદના હોય, ખેડૂતોના હિત સરકારના હૈયે વસેલ હોય તો સરકારના જવાબદાર મંત્રીએ પણ ભાજપ સરકાર સામે ઉપવાસ આંદોલન કરવામાંથી પીછેહઠ કરવી જોઈએ નહીં, ભાજપના કોઈ મંત્રી ખેડૂતોના હિતોની રક્ષા માટે, ખેડૂતોના અધિકાર માટે ચિંતા માટે થઈને આંદોલન કરશે તો કોંગ્રેસ પક્ષ તેમને પણ ટેકો આપશે. ગુજરાતના ખેડૂતોની એક જ માગણી છે કે, ‘ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો' એવું વિરોધપક્ષના નેતાએ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતના નવજુવાને દસ-દસ દિવસ સુધી ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદારોને અનામતની માગણી સાથે ઉપવાસ આંદોલન કરવા પડે તેવી કટોકટીભરી સ્થિતિ આજે ભાજપ સરકારના રાજમાં પ્રવર્તી રહી છે. સરકાર ૧૦ દિવસ સુધી ખબર પૂછવા પણ ન જાય.

વધુમાં કહ્યું હતું કે સત્તાના મદમાં રાચતી ભાજપ સરકાર આવી સ્‍થિતિ શું કામ પેદા કરે છે ? દેશમાં લોકશાહી સ્‍થાપવા અને દેશની વિકાસ યાત્રા શરૂ થઈ ત્‍યારે આંદોલનથી મળેલ આઝાદી અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કોઈપણ પ્રકારની લડાઈ લડવા તૈયાર હોવાનું જણાવતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરવા માટે, સામાન્‍ય માણસની વેદનાને વાચા આપવા માટે કોઈપણ વ્‍યક્‍તિ, વર્ગ કે સમૂહ આંદોલન કરશે તો તેમાં સંપૂર્ણ સહયોગ આપશે.