loader

Breaking News


Home > Gujarat > સિંહોના સંરક્ષણ માટે સરકાર મક્કમ, CM રૂપાણીએ કર્યો દાવો


Foto

સિંહોના સંરક્ષણ માટે સરકાર મક્કમ, CM રૂપાણીએ કર્યો દાવો

Oct. 5, 2018, 1:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : ગીર પંથકમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ અને ગંભીર ચેતવણી બાદ હવે રાજય સરકાર પણ હરકતમાં આવી છે. આજે સુરત ખાતે એક કાર્યક્રમમાં હાજરી દરમ્યાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગીરમાં સિંહોના મોત મામલે ચિંતા વ્યકત કરી હતી અને હૈયાધારણ આપી હતી કે, સિંહોના જતન અને રક્ષણ મામલે સરકાર કૃતનિશ્ચયી છે. આ મુદ્દે સરકાર સહેજપણ કચાશ કે કસર નહી રાખે. સરકાર તમામ પ્રકારે સિંહોના રક્ષણ અને જતન માટેની કામગીરી કરી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાના કામરેજ ખાતે ઉમાંમંગલ હોલમાં આયોજિત નગરપાલિકા પ્રશિક્ષણ શિબિર-૨૦૧૮માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગીરમાં સિંહોના નિપજેલા મૃત્યુ મામલે રાજ્ય સરકાર અત્યંત ગંભીર છે. ચાર સિંહમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ(સી.ડી.વી.) જોવા મળ્યા હતા.

ગીરના સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી હોવાનું રૂપાણીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ સિંહોના ફેફસાને નુકસાન પહોંચાડી તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે. સિંહોમાં વ્યાપેલા વાઈરસ સામે તેમને સંરક્ષિત કરવા અમેરિકાથી ખાસ વેક્સીન મંગાવાઈ છે. અન્ય સિંહોને ઇન્ફેકશન ન થાય તે માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કેન્દ્રની ટીમ તથા સેન્ટ્રલ ઝૂના નિષ્ણાંતોની મદદ લેવાઈ છે.