loader

Breaking News


Home > Gujarat > ઉપવાસ અટકાવવા સરકાર અંગ્રેજ બની છે : હાર્દિક પટેલ


Foto

ઉપવાસ અટકાવવા સરકાર અંગ્રેજ બની છે : હાર્દિક પટેલ

Aug. 22, 2018, 3:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહ્યો છે પરંતુ તેને સરકાર અને તંત્ર દ્વારા નિકોલ, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સહિતની કોઇ પણ જગ્યાએ સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી નથી. એટલું જ નહી, પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ૬૦ દિવસ માટે કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવતાં હાર્દિકના ઉપવાસ આંદોલન પર ઠંડુ પાણી રેડી દેવાયું છે ત્યારે હાર્દિક પટેલ સહિત સમગ્ર પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

તંત્ર દ્વારા કોઇ જગ્યાએ મંજૂરી નહી અપાંતા હવે આખરે હાર્દિકે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા પોતાના ઘરે જ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય જાહેર કર્યો છે. દરમ્યાન હાર્દિક પટેલે ફરી એકવાર ટવીટ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કે, તેના ઉપવાસ આંદોલનને રોકવા માટે ભાજપ સરકાર હવે અંગ્રેજ બની ગઇ છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, મને ખાતરી છે કે રામોલ કેસમાં તા.૨૫ ઓગસ્ટ પહેલાં જ મારી ધરપકડ કરી લેવામાં આવશે. તેમ છતાં હું જેલમાં જઈને ભૂખ હડતાળ પર ઉતરીશ, અને મારે જેલ જવાનું થાય તો મારા ઘરે મારા સમર્થકો ભૂખ હડતાળ પર ઉતરશે. હાર્દિકે ટિ્‌વટ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં લખ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા અમદાવાદમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી. આશ્ચર્યની વાત છે કે સંવૈધાનિક રીતે કોઈને પણ આંદોલન કરવાનો અધિકાર છે છતાં ગુજરાતમાં ભાજપ સરકાર ભૂખ હડતાળ કરવાથી આંદોલનકારીઓને રોકી રહી છે.