loader

Breaking News


Home > Gujarat > સરકાર ખેડૂતોને 8 કલાકની જગ્યાએ આપશે 10 કલાક વીજળી


Foto

સરકાર ખેડૂતોને 8 કલાકની જગ્યાએ આપશે 10 કલાક વીજળી

Aug. 8, 2018, 1:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યનાં ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વની સંવેદનશીલ સરકારે વરસાદ ખેંચાતા જ ખેડૂતોનાં વિશાળ હિતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.



ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેતરના ઊભા પાકને પાણી આપવાની જરૂરીયાત ઊભી થતાં રાજ્ય સરકારે ખેડૂતોનાં વિશાળ હિતને ધ્યાને લઈને પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યભરનાં ૭૩૦૮ કૃષિ ફીડરોનાં ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનાં આ નિર્ણયથી ઉત્તર ગુજરાતનાં ૨૮૬૩ ફીડરો, પશ્ચિમ ગુજરાતનાં ૩૪૭૧ ફીડરો, મધ્ય ગુજરાતનાં ૬૧૮ અને દક્ષિણ ગુજરાતનાં ૩૫૬ ફીડરો મળી રાજ્યભરનાં કુલ ૭૩૦૮ કૃષિલક્ષી ફીડરોનાં અંદાજે ૧૫ લાખ ખેડૂતોને આ લાભ મળશે.

રાજ્ય સરકારનાં આ નિર્ણયને કારણે રાજ્ય સરકાર ઉપર પ્રતિ માસ ૨૦૦ થી ૨૫૦ કરોડનું આર્થિક ભારણ આવશે તેમ જણાવતાં ઊર્જા મંત્રીએ કૃષિ ક્ષેત્રે વીજ વપરાશની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં પ્રતિદિન ૬.૮ કરોડ યુનીટ વીજળી કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. રાજ્યમાં આઠ કલાકને બદલે વધારાનાં બે કલાક એટલે કે દસ કલાક વીજ પુરવઠો આપવાના રાજ્ય સરકારનાં નિર્ણયથી વધારાનાં ૧.૨ કરોડ યુનિટ વીજળી વપરાશે. આમ કૃષિ ક્ષેત્રે દૈનિક આઠ કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે. જે અત્યાર સુધીમાં રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતો સૌથી વધુ વીજ પુરવઠો છે.