loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રેપની ઘટનાઓમાં આવ્યો ચોંકાવનારો વધારો


Foto

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રેપની ઘટનાઓમાં આવ્યો ચોંકાવનારો વધારો

July 3, 2018, 11:37 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : અમદાવાદમાં તાજેતરમાં નિર્ભયાકાંડની સામૂહિક ગેંગરેપની ઘટના બાદ ફરી એકવાર અમદાવાદ સહિત રાજયભરમાં બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ ગંભીર સવાલો ઉઠયા છે તો બીજીબાજુ, આ સમગ્ર મામલે હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે પણ નીરાતથી ફરી શકે તેવી ભાજપનાં સત્તાધીશો ડિંગો મારે છે. પરંતુ વાસ્તવમાં ભાજપનાં રાજમાં જ યુવતીઓ જાણે અસલામત બની છે.



ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં બળાત્કારની ઘટનાઓ ચોંકાવનારી હદે વધી રહી છે જેથી કાયદા વ્યવસ્થા પર સવાલો સર્જાયા છે અને સરકારનાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ પોકળ સાબિત થયા છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં બળાત્કારની ૧૮૮૭ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. રાજ્યનાં ગૃહવિભાગનાં જ આંકડા કહે છે કે, મેટ્રોસિટી અમદાવાદમાં ક્રાઇમરેટ વધી રહ્યો છે. બળાત્કારનાં કિસ્સાઓ પણ અમદાવાદમાં સૌથી વધુ નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા બે વર્ષમાં દુષ્કર્મનાં અમદાવાદ શહેરમાં ૧૫૯ કેસો જયારે ગ્રામ્યમાં કુલ મળીને ૨૯૧ કેસો નોંધાયા છે, જે અમદાવાદીઓ માટે ઘણી શરમજનક વાત કહી શકાય. સુરત શહેર-જીલ્લામાં ૨૪૧, વડોદરામાં ૬૬, રાજકોટ શહેર અને જીલ્લામાં ૧૦૮ કેસો નોંધાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ગુજરાતનો એકેય જીલ્લો એવો નથી કે, જયાં બળાત્કારની ઘટના ના નોંધાઇ હોય. બનાસકાંઠા, કચ્છમાં બળાત્કારનાં કેસો નોંધપાત્ર રીતે નોંધાયા છે.

એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ૧૮ થી ૩૦ વર્ષની યુવતીઓ જ સૌથી વધુ બળાત્કારનો ભોગ બની છે. બળાત્કારનો ભોગ બનનારી ૧૨ થી ૧૮ વર્ષની છોકરીઓની સંખ્યા પણ વધુ છે. બળાત્કાર જ નહીં, છેડતીનાં કિસ્સા પણ ગુજરાતમાં વધી રહ્યાં છે. આ જોતાં યુવતીઓ અસલામતી અનુભવી રહી છે તેવુ ચિત્ર ખડુ થયું છે. મોટાભાગે પરિચિત, સંબંધી, મિત્રો જ બળાત્કારનાં આરોપીઓ હોવાનું સામે આવે છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોનાં ૨૦૧૬નાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં બળાત્કારનાં ૯૮૨ કેસો નોંધાયાં હતાં. જેમાં ૧૧ કેસોમાં બળાત્કાર કરનાર સહકર્મચારી, ૧૨ કેસોમાં મિત્ર, ૨૨૪ કેસોમાં પરિચિત હતાં. જયારે સૌથી વધુ ૩૬૫ કેસોમાં એવુ જાણવા મળ્યુ કે, લગ્ન કરવાની લાલચ આપી પિડીતા સાથે બળાત્કાર ગુજારાયો હતો. ૨૧ કિસ્સામાં તો પિડીતા પર ખુદનાં પિતા, પુત્ર, પતિ અને ભાઇએ જ બળાત્કાર ગુજાર્યો હતો. તો, ૩૯ કિસ્સામાં સગાસબંધીએ જ પિડીતા પર બળાત્કાર કર્યો હતો. ૨૯૨ બળાત્કારનાં કેસોમાં આરોપી પિડીતાનાં પાડોશી હતાં. આમ, બળાત્કારનાં કિસ્સાઓમાં મોટાભાગે પરિચીત, સગાસબંધી, મિત્રો અને પાડોશી જ આરોપીઓ હોય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં ગુજરાતમાં ગેંગરેપના કુલ ૧૪ કેસો નોંધાયા હતાં.