loader

Breaking News


Home > Gujarat > આ તે કેવી દારૂબંધી, રાજ્યમાં પાણીનો ધંધો ૭ હજાર કરોડ જયારે દારૂનો ૩૦ હજાર કરોડ.


Foto

આ તે કેવી દારૂબંધી, રાજ્યમાં પાણીનો ધંધો ૭ હજાર કરોડ જયારે દારૂનો ૩૦ હજાર કરોડ.

April 19, 2018, 1:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:રાજ્યમાં દારૂ વેચવા કે પીવા પર પ્રતિબંધ છે. સરકારે દારૂબંધીનો કાયદો કડક કરીને સજાની જોગવાઈમાં પણ વધારો કર્યો છે પણ દારૂબંધી લાગુ થયાને 58 વર્ષ થઈ ગયા છતાં વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં પાણીની બોટલનું વેચાણ વર્ષે 7 હજાર કરોડ રૂપિયાનું છે જ્યારે દારૂનું વેચાણ 30 હજાર કરોડ આંકવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં દારૂના વેચાણમાં 300 ટકાનો વધારો થયો છે. હેલ્થ રિપોર્ટ અહેવાલ અનુસાર દારૂ પીનારાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. નાના ગામડાઓથી માંડી મોટા શહેરો સુઘીના લોકોના વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ગટગટાવી જાય છે. રાજયમાં રોજના 11 કરતા વધુ વાહનો દારૂ ભરેલા પકડાય છે. છેલ્લા બે વર્ષમાં રાજયમાંથી દારૂ ભરેલા 16,033 વાહનો પકડાયા છે.

આ વાહનોમાંથી દેશીદારૂ 3,13,642 લિટર, વિદેશી દારૂનો 90,22,408 બોટલ, બિયરની 20,29,908 બોટલો પકડાઈ છે. આ પકડાયેલા દારૂની કિંમત 147 કરોડ 70 લાખ 7 હજાર 214 થાય છે. રાજ્યના ઘણા રાજકારણીઓ તથા પોલીસ અધિકારીઓ પણ દારૂના ધંધામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા છે. ઘણીવખત બુટલેગરોને સ્ટોક કરવા માટે પોલીસ અધિકારીઓએ જ ભંડોળ પૂરું પાડ્યાના દાખલા છે. બિમારીના બહાના હેઠળ દારૂની પરમીટ લેનારો લોકોની પણ સંખ્યા વઘી રહી છે. 2011માં 22 હજાર પરમિટ ધારકો હતા, 2017માં 42 હજાર થઇ ગયા છે.

- 10 વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદે દારૂનું વેચાણ 300% વધ્યું છે.

- 16,033 વાહન છેલ્લાં 2 વર્ષમાં 31 જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પકડાયાં.

- 50000 કરોડ વર્ષે નશાબંધીના લીધે ગુજરાત ગુમાવે છે.

- 38.50 કરોડની ડ્યૂટી આવક ગુજરાતને દારૂ થકી.

- 148 કરોડનો દારૂ રાજ્યમાં માત્ર છેલ્લાં 2 વર્ષમાં ઝડપાયો.

- 2 વર્ષમાં દારૂની હેરાફેરીમાં 16 હજાર વાહન પકડાયાં.

દારૂ માટે લોકો કાવાદાવા કરીને દર્દી બની જાય છે.

દારૂ પીવા માટે પરમીટ આપવામાં આવે છે. પરમીટ લેવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો સહારો લઈને લોકો ગમેતેમ કરીને પરમીટ મેળવી ને જ જંપે છે. દારૂનું સેવન આરોગ્યના કારણોસર કરવાની જરૂરીયાત દર્શાવી પરમીટ લેવાતી હોય છે. તેમાં સિવિલ સર્જનનું સર્ટિફીકેટ લેવું આવશ્યક છે, જેમાં વચેટીયા લોકો કામ કરે છે જે અમુક રકમ લઈને તમામ પ્રક્રિયા પાર પાડી દેતા હોય છે.

ડ્રાય ગુજરાતના 5 કિસ્સા:

વીક-એન્ડમાં દીવ-દમણમાં 40% ગુજરાતી

વીકએન્ડમાં દીવ દમણ અને આબુ જતા પ્રવાસીઓમાં 40%થી વધુ ગુજરાતી હોય છે. દક્ષિણ ગુજરાતના લોકો દમણ તરફ જાય છે. સૌરાષ્ટ્રના લોકો દીવ જાય છે. જયારે મધ્ય ગુજરાતના આબુ અથવા દીવને પસંદ કરે છે. અમદાવાદ-વડોદરાના યુવાનો વીકએન્ડમાં રાજસ્થાનની રતનપુર બોર્ડર પીવા જતા હોય છે. આબુમાં વીકએન્ડમાં મોટાભાગના વાહનો પર ગુજરાતની નંબર પ્લેટ જોવા મળે છે. દિવાળી, નવરાત્રિ કે 31 ડિસેમ્બર જેવા ખાસ દિવસોમાં આ ત્રણે સ્થ‌ળે ગુજરાતીઓ મોટી સંખ્યામાં જોઈ શકાય છે.

દારૂની હોમ ડિલિવરી:Any Time Any Place

બુટલેગરોનું નેટવર્ક રાજ્યભરમાં મળી આવે છે. કોઈ પણ પ્રોડક્ટના સેલ્સ માટે જે પ્રકારનું નેટવર્ક હોય છે એવું જ નેટવર્ક ઘણા બુટલેગરોએ પણ વિકસાવેલું છે. એટલું જ નહીં તેઓ ગ્રાહકોને ખુશ રાખવા માટે વિદેશી દારૂની બોટલોની હોમ ડિલીવરી પણ કરે છે. દિવસના કોઈ પણ સમયે તેમના ઘર સુધી દારૂ પહોંચતો કરાય છે.

પીવામાં કાશ્મીર કરતાં ગુજરાત આગળ:

નેશનલ સેમ્પલ સર્વેના તારણો પ્રમાણે માથાદીઠ શરાબ સેવનની બાબતમાં ગુજરાત જમ્મુ-કાશ્મીર કરતા આગળ છે. કાશ્મીરમાં જ્યાં શરાબ સેવનની સાપ્તાહિક સરેરાશ 32 એમએલની છે જ્યારે ગુજરાતમાં તે 53 એમએલ છે. કર્ણાટકમાં દેશી દારૂના સેવનની સાપ્તાહિક સરેરાશ 23 છે. દેશી દારૂના ખપતની બાબતમાં ગુજરાત ઉત્તરાખંડ તામિલનાડુ કરતા પણ આગળ છે.

શરાબની લે-વેચ માટે સોશિયલ મીડિયાનો સહારો:

પોલીસથી બચવા માટે ઘણા બુટલેગરો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમના સોશિયલ મીડિયા ગ્રુપમાં વિશ્વાસુ ગ્રાહકોને જ સ્થાન મળે છે. બ્રાન્ડ અને ભાવતાલની વાતચીત સોશિયલ મીડિયા પર થઈ ગયા બાદ નક્કી થયેલા લોકેશન પર ડિલિવરી કરવામાં આવે છે. ઘણા બુટલેગર માત્ર ફોન પર ઉપલબ્ધ હોય છે. તેઓ નક્કી વિશ્વાસુ ગ્રાહકોના ઓર્ડર ફોન પર લઈને ડિલિવરી આપે છે.

રેડનું નાટક, તારીખ-દારૂનો જથ્થો અગાઉથી ફિક્સ:

રાજ્યના ઘણા જિલ્લામાં દારૂના કેસ કરવા માટે પોલીસને ટાર્ગેટ અપાયેલા હોય છે. ઘણી વખત બુટલેગર સાથે પણ પોલીસ સાંઠગાંઠ કરીને રેડ ફિક્સ કરવામાં આવે છે. આ ફિક્સિગમાં ક્યારે રેડ પાડવી અને તેનો કેટલો જથ્થો પકડાયેલો બતાવવો વગેરે જેવી તમામ બાબતો અગાઉથી નક્કી કરી લેવામાં આવતી હોય છે.

રાજ્યમાં આ 5 રૂટ પરથી દારૂ પ્રવેશે છે.

- રાજસ્થાનની સરહદથી... રાનીવાડા, પાંથાવાડા, આબુ, અંબાજી, રતનપુર

- મધ્યપ્રદેશની સરહદથી... દાહોદ

- મહારાષ્ટ્રની સરહદથી... નાસિક રોડ સાપુતારા

- દમણ, સેલવાસ, ભિલાડ

- દીવ

દારૂના 55 હજારથી વધુ કેસો કોર્ટમાં પેન્ડીંગ:

1. દારૂ વેચતા કે હેરફેરી કરતા લોકોની ધરપકડ થાય છે પણ સજાનો રેશીયો ઓછો છે. કારણ કે દેશી દારૂના કેસોમાં આરોપીની ધરપકડ થયા બાદ કેસનો નિકાલ થતો નથી. તેના કારણે આરોપીને જામીન મળી જાય છે. કોર્ટમાં આવા 55 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે.

2. દારૂના કેસોમાં પંચોની જુબાની મહત્વની હોય છે,મોટાભાગના કેસોમાં પંચો ફરી જાય છે. પોલીસ મેન્યુઅલ પ્રમાણે પંચો સ્વતંત્ર અને પ્રતિષ્ઠિત હોવા જોઈએ , જો સરકારી કર્મચારીને જ પંચમાં લેવામાં આવે તો ફરી નહીં જાય અને આરોપીને સજા કરવા પુરતા રહેશે તેમ ધારાશાસ્ત્રી સંદીપ ક્રિસ્ટીએ જણાવ્યું હતું.

દારૂના બિઝનેસમાં પોલીસ અને નેતાઓની સાંઠગાંઠ:

ગુજરાત રાજ્યમાં દારૂના ગેરકાયદે વ્યવસાયમાં રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓની મીલીભગતનાં ઉદાહરણો અગાઉ સામે આવી ચૂક્યા છે અને આવી પણ રહ્યાં છે. કેટલાક પોલીસ અધિકારીઓએ આ દારૂના ધંધામાં મોટું રોકાણ કર્યું છે તો ઘણી વખત તેઓ મોટો સ્ટોક ખરીદવા માટે બુટલેગરોને આર્થિક મદદ પણ કરતા હોવાના કિસ્સા પણ બહાર આવ્યા છે.

પોલીસના નાક તળેથી આ રીતે થાય છે દારૂની હેરાફેરી:

1. રાતના સમયે ટ્રેનમાં ગામડેથી આવતા દૂધના કૅનમાં દેશી કે વિદેશી દારૂની હેરાફેરી, સ્કૂટરમાં કે મોટાં વાહનોમાં ચોરખાનું બનાવી તેમાં બોટલો ભરીને.

2. મોટા વાહનોમાં દારૂ લાવી સરહદના નાના ગામોમાં કટિંગ કરી નાના વાહનો મારફતે દારૂની હેરાફેરી કરવી,હપતેથી નવાં વાહનો લઈ રજિસ્ટર નંબર વિનાનાં વાહનોમાં હેરાફેરી.

3. જેમની સામે શંકા જાય નહીં એવા લબરમૂછિયા છોકરાઓનો હેરાફેરી માટે ઉપયોગી.પોલીસ શંકા કરે નહીં એ માટે નાના બાળકો સાથેન મહિલાઓ દ્વારા હેરાફેરી.

4. એકલદોકલ માણસને થેલીમાં કે કાપડના જથ્થા વચ્ચે બોટલો સંતાડીને.વહેલી સવારે કે મધરાતે શાકભાજીના ટેમ્પોમાં દારૂ પહોંચાડવો.

5. દેશી દારૂની પોટલીઓ ખાસ પ્રકારના કાપડનાં ખાનાંમાં ગોઠવી મહિલાઓને પહેરાવી દારૂની હેરાફેરી કરવી.