loader

Breaking News


Home > National > માર બુધું અને કર સીધુંની થિયરીમાં માનતા શિક્ષકોથી બાળકોને આજે લાગી રહ્યો છે ડર


Foto

માર બુધું અને કર સીધુંની થિયરીમાં માનતા શિક્ષકોથી બાળકોને આજે લાગી રહ્યો છે ડર

June 20, 2018, 8:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શહેરનાં એક વિસ્તારમાં ગત વર્ષે એક શિક્ષિકાએ ત્રણ વર્ષનાં એક ભૂલકાને ફૂટપટ્ટી વડે બેદમ મારપીટ કરી હોવાની બાતમી સમાચાર માધ્યમોએ ચગાવી હતી અને અખબારોમાં માતાની કમરે વળગેલાં, કાળાં ડાઘ પડેલી, સૂજી ગયેલી આંખોવાળા એ ભૂલકાની તસવીરે અનેક સંવદેનશીલોને હચમચાવી નાખ્યા હતા. બાળકનો પીડાસક્ત ચહેરો શિક્ષિકાએ કરેલી મારપીટ કેટલી અમાનુષી હતી એ દર્શાવતો હતો.જિંદગીમાં અતિશય સંઘર્ષ કરીને સફળ બનેલા બાસ્કેટબોલનાં નિવૃત્ત પ્રોફેશનલ ખેલાડી મેજિક જ્હોનસન કહે છે, "તમામ બાળકોને થોડી મદદ, થોડી આશા અને એમનામાં ભરોસો રાખે એવા ‘કોઈ’ની તાતી જરૂર હોય છે. આ વાત આપણા શિક્ષકો નથી સમજતા એમ માતાપિતાઓવાલીઓ પણ નથી સમજતા. શિક્ષણનાં સિદ્ધાંત અને નવી પદ્ધતિ પાછળ જિંદગી આખી સમર્પિત કરી દેનારાં અને કોલમ્બિયાની ટીચર્સ કાલેજના માનદ્‌ પ્રોફેસર ઍન લીબરમાને મહાન શિક્ષકોના ગુણ વિશે વાત કરતા કહ્યું છે કે, "મહાન શિક્ષકો તેમના બાળ-વિદ્યાર્થીઓ સાથે તાદાત્મ્ય અનુભવે છે, તેમને માન આપે છે ને માને છે કે એ દરેકમાં કશું આગવું, કશું ખાસ છે જેનું ઘડતર કરવાનું છે, તેને પોષણ આપવાનું છે. કોઈ શિક્ષણવિધી માર મારીને છોકરું ઠેકાણે લાવવું એવું નથી લખ્યું કે કહ્યું.

શિક્ષણ ક્ષેત્રે આજે દેશમાં કે વિદેશમાં પુષ્ક્ળ મોટું પરિવર્તન આવ્યું છે, પણ પોતાના સંતાનને જિંદગીની હોડમાં પાછળ ન પડવા દેવાની ખોટી એષ્ણા રાખનારાં માતાપિતા અને ‘માર બુધું ને કર સીધું’ની થિયરીમાં માનનારા શિક્ષકોની માનસિકતામાં પરિવર્તન લાવી શકાયું નથી એ માનવીય સમાજની મોટી નિષ્ફળતા છે. ઉપર જણાવેલી ઘટના જેવી જ બાળકોની-વિદ્યાર્થીઓની મારપીટની ઘટના અવારનવાર બને છે. દેશના અનેક ભાગોમાંથી એને લગતી બાતમીઓ આવે છે. એટલે ખાનગી શિક્ષણનાં શિક્ષક દ્વારા મારપીટ કરવાની ઘટના પહેલી અને આવી જ અભાનપણાની સ્થિતિ રહી તો છેલ્લી પણ નથી. ખાનગી શિક્ષણનાં પ્રદેશમાં મારપીટ, જાતીય સતામણીની ઘટનાઓ તો વારંવાર બનવા લાગી છે. આપણા સમાજની એક અણઘડ અને અવિચારી રીત એવી છે કે, બાળક બોલવા લાગે કે તરત જ એ ભણવા લાગે એવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે અને તરત જ એને સ્કૂલમાં અને પછી ખાનગી ક્લાસ કે ટ્યૂશનમાં મૂકી દેવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ એક ‘ફૅડ’ થઈ ગયો છે.

કામકાજ-નોકરી, વ્યવસાય નિમિત્તે દિવસભર ઘરની બહાર રહેનારાં માતાપિતાને બાળકને શીખવવા-સમજાવવાનો સમય જ નથી રહેતો એટલે જિંદગીમાં બધા કરતા આગળ રહે માટે બાળકને અતિ હોશિયાર બનાવવાની લાહ્યમાં ફાવે તેટલી ફી ભરીને બાળકને ખાનગી શિક્ષણ સંસ્થામાં મૂકી દેવાય છે. આ બાળકો એટલાં નાનાં અને એવાં અબૂધ હોય છે તેમને શિક્ષકો મારપીટ કરી હોવાની વાત ઘરમાં- માતાપિતાને કહેવાની સમજણ સુધ્ધાં નથી ધરાવતાં હોતાં. એમના શરીર પર મારના લીલાકાળા ચકામા જોઈને માતાપિતાનું ધ્યાન પડે ને પૂછપરછ કરે ત્યારે આખો મામલો ‘પ્રગટ’ થાય. થોડા મહિનાઓ અગાઉ સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાઈરલ થઈ હતી, જેમાં એક ત્રણ વર્ષની બાળકીને માતા સરવાળો શીખવે છે ને બચ્ચાની થયા કરતી ભૂલ ભૂલ અને એનાં રડવામાંથી વ્યક્ત થતો અણગમો એના રોષનું વળતર મારમાં આપે છે. ફ્રેમમાં માતા દેખાતી નથી, પણ રડીને ગુસ્સો કરતું, રડીને ભણવાનો અણગમો દેખાડતું બચ્ચું દેખાય છે... જોકે, આ ક્લિપ બદલ જાતભાતના ખુલાસાઓ કરવામાં આવ્યા હતા ખરા, પણ મૂળ વાત બાળકની અનિચ્છા અને એને ‘ભણાવી નાખવાની’ માતાની જિદ બરાબર ક્લિપ-દર્શકના મનને સ્પર્શે છે.