loader

Breaking News


Home > Gujarat > રાજ્ય સરકાર કમૂરતાંમાં શપથ લઇ શકે છે તો ચૂંટાયેલા ધારાસભ્યો કેમ નહી ?


Foto

રાજ્ય સરકાર કમૂરતાંમાં શપથ લઇ શકે છે તો ચૂંટાયેલા ધારાસભ્યો કેમ નહી ?

Jan. 11, 2018, 10:36 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણી પરિણામોને એક મહિના જેટલો સમય વિત્યો હોવા છતાં ચૂંટાયેલા ધારાસભ્યો હજુ શપથવિધિથી બાકાત છે. સામાન્ય રીતે મંત્રી મંડળ શપથ લે પછીના થોડા દિવસોમાં ધારાસભ્યોની શપથ વિધિ યોજાઈ જવી જોઈએ જો કે હજુ સુધી સ્પિકરની નિમણુંક તેમજ ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ શકી નથી જેને કારણે આ મહિનાનાં પગાર ભથ્થાં તેઓને ગુમાવવા પડે તેવી નોબત આવી છે.

ગુજરાતમાં મંત્રીમંડળે શપથ લઇ લીધા બાદ તારીખ ૩ જાન્યુઆરીનાં રોજ ધારાસભ્યોની શપથવિધિ યોજાવવાની હતી જે અગમ્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. સરકાર હજુ શપથવિધિનું સ્થળ નક્કી કરવામાં પણ અવઢવમાં છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ સચિવાલય હોલ અથવા મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળે વહેલાં શપથ લઇ લેતાં તેમનાં પગાર ભથ્થાં શરુ થઇ ગયાં છે પણ ધારાસભ્યોની શપથવિધિ બાકી હોવાથી તેઓને આ મહિનાનું વેતન નહી મળી શકે. આમ શપથવિધિનાં મામલે સરકાર ખુદ ભીંસમાં મુકાઈ ગઈ છે. સુત્રોના જણાવ્યાં મુજબ કમૂરતાં ચાલતાં હોવાને કારણે શપથવિધિનું આયોજન નથી થઇ શક્યું ત્યારે સવાલ એ છે કે રાજ્ય સરકાર કમૂરતાંમાં શપથ લઇ શકે છે તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કેમ નહી જો કે હવે શપથવિધિ ઉતરાયણ બાદ યોજાઈ શકે છે.