loader

Breaking News


Home > Gujarat > તાકાત હોય તો 24 કલાક માટે ઘરેથી પોલીસ હટાવી લો : હાર્દિક પટેલ


Foto

તાકાત હોય તો 24 કલાક માટે ઘરેથી પોલીસ હટાવી લો : હાર્દિક પટેલ

Aug. 28, 2018, 5:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી લાઈવ પર આજે ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે, જો સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર ૨૪ કલાક માટે પોલીસ હટાવી દો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે. ભાજપ પાસે કોઈ અપેક્ષા હોઇ શકે નહીં, પરંતુ સરકાર પાસે અપેક્ષા હોઇ શકે. જો અહીં લગાવેલી પોલીસ ગુજરાતમાં લગાવવામાં આવે તો એક ટીપું પણ દારૂ રાજયમાં આવી શકે નહીં.

એક તબક્કે હાર્દિકે ભાજપના નેતાઓને પણ સત્યની આ લડાઇમાં જાડાવવા માટે આહ્વાહન કર્યું હતું. દરમ્યાન હાર્દિકના ઉપવાસ સ્થળે આજે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પહોંચ્યા હતા અને હાર્દિકના આંદોલનને સમર્થન જાહેર કરી પોલીસ અને તંત્ર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પોલીસ ભાજપ સરકારની ચાપલૂસી બંધ કરે, આગામી દિવસોમાં રાજયભરના ખેડૂતો હાર્દિકના ઉપવાસ આંદોલનમાં જાડાવાના છે. હાર્દિક પટેલે ઉપવાસના આજના ત્રીજા દિવસે સરકારને આહ્વાહન કરતાં જણાવ્યું કે, અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે. જે સરકારે સ્વીકારી લેવી જાઇએ. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.

આ આંદોલનમાં પાટીદારો કરતા પણ કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોનું વધુ સમર્થન મળી રહ્યું હોય તેમ લાગે છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હાર્દિકને મળવા માટે આવી રહેલા પાટીદારોને અટકાવવામાં આવે છે. જ્યારે કોંગી નેતાઓ શશિકાંત પટેલ, બદરુદ્દીન શેખ સહિતના આગેવાનોને બેરોકટોક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને હાર્દિકને મળવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. હાર્દિકના સમર્થનમાં ઉતરેલા લોકોમાં મોટા ભાગના પાટીદારો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે તેમજ તેને મળવા માટે પણ કોંગી સમર્થકો આવી રહ્યા છે.