loader

Breaking News


Home > Gujarat > રાયસણમાં ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર પકડાયું


Foto

રાયસણમાં ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર પકડાયું

Nov. 6, 2018, 11:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારમાં ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસ દ્વારા તેનો પર્દાફાશ કરવા છતાં એક યા બીજી તરકીબો અપનાવી ગુનેગારો પૈસાની લાલચમાં કોલ સેન્ટરનો કિમીયો ચાલુ રાખી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં પણ રાયસણ ખાતે ચાલતાં ગેરકાયદે કોલ સેન્ટરનો સ્થાનિક એસઓજીએ પર્દાફાશ કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે દરોડાનાં સ્થળેથી આરોપીઓની ધરપકડ કરી કોમ્પ્યુટર, લેપટોપ, મેજિક જેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.



આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર એસઓજીના અધિકારીઓ ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીનગરનાં રાયસણ ખાતે રોયલ બંગલોઝમાં ગેરકાયદે કોલ સેન્ટર છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહ્યું છે. બાતમીનાં આધારે પોલીસે ભારે ગુપ્તતા સાથે અચાનક દરોડા પાડયા હતા. રોયલ બંગલોઝનાં આ મકાનમાં દિયા ઇન્ફોટેક આઇટી સોલ્યુશનનું બોર્ડ લગાવેલું હતુ, જેની આડમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હોવાનું પોલીસનાં ધ્યાન પર આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીને ઝડપી પાડયો હતો, જે ધોરણ-૭ પાસ હોવાછતાં ફાંકડુ અંગ્રેજી બોલતો હતો. જેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીઓ વિદેશી નાગરિકોને ફોન કરી લોન માટે દસ્તાવેજા મંગાવતા હતા અને બાદમાં તેઓની પાસેથી વિવિધ બહાના હેઠળ નાણાં ખંખેરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર, લેપટોપ, મેજિક જેક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ જારી રાખી છે. આ પ્રકરણમાં હજુ વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી પણ સંભાવના છે.