loader

Breaking News


Home > National > એમપી, રાજસ્થાન અને છતીસગઢમાં ભાજપનો સફાયો, કોંગ્રેસ મેળવી શકે છે સ્પષ્ટ બહુમત : સર્વે


Foto

એમપી, રાજસ્થાન અને છતીસગઢમાં ભાજપનો સફાયો, કોંગ્રેસ મેળવી શકે છે સ્પષ્ટ બહુમત : સર્વે

Aug. 14, 2018, 10:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : એક અગ્રણી ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ આવનારા સમયમાં યોજાનારા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢની ચુંટણીમાં ભાજપને ઘેર બેસવાના દિવસો આવે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર બનાવશે.

મધ્યપ્રદેશમાં કરવામાં આવેલાં સર્વે મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનશે.શિવરાજસિંહ ચૌહાણનાં સમયમાં થયેલા વ્યાપમ કૌભાંડ અને મંદસોરમાં નિર્દોષ ખેડૂતો પર ગોળીબારને કારણે આ વખતે જનતા ખુબ નારાજ છે. અહી કોંગ્રેસને ૧૧૭ અને ભાજપને ૧૦૬ બેઠકો મળી શકે છે તેમજ અન્ય પક્ષોનાં ભાગે ૭ બેઠકો આવી શકે છે. ૨૦૧૩ નાં પરિણામો મુજબ જોવા જઈએ તો ભાજપને ૫૯ બેઠકોનું નુકશાન થઇ શકે છે.

આ પ્રમાણે છતીસગઢમાં પણ લોકો સત્તાપરિવર્તન ઈચ્છે છે. છતીસગઢમાં હાલ ભાજપની સરકાર છે તેમજ એન્ટી ઇનક્બંસીનું ફેક્ટર પણ ઉમેરાયું છે. અહી કોંગ્રેસ ૫૪ બેઠકો સાથે બહુમતી મેળવી શકે છે જયારે ભાજપ ફકત ૩૩ બેઠકો પર સમેટાઈ જશે. વર્ષ ૨૦૧૩ ની ચુંટણી મુજબ જોઈએ તો ભાજપને ૧૬ બેઠકોનું નુકશાન અને કોંગ્રેસને ૧૫ બેઠકોનો ફાયદો થઇ શકે છે.

રાજસ્થાન તેની સરકાર બદલવાની પેટર્ન માટે જાણીતું છે. આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસ બહુમતી મેળવશે તેમ સર્વેમાં જણાવાયું છે. બેઠકોની વાત કરીએ તો કોંગ્રેસને ૧૩૦ બેઠકો મળવાની શક્યતા છે તો બીજી બાજુ ભાજપને ફક્ત ૫૭ બેઠકો મળી શકે છે. વર્ષ ૨૦૧૩ ની સરખામણીએ જોવા જઈએ તો ભાજપને ૧૦૬ બેઠકોનું ભારે નુકશાન થઇ શકે છે જયારે કોંગ્રેસને ૧૦૯ બેઠકોનો ફાયદો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં અન્ય પક્ષોને ૧૩ બેઠકો મળવાની શક્યતા પણ સર્વેમાં વ્યક્ત કરાઈ છે.