loader

Breaking News


Home > Gujarat > પગાર વધારા વિધેયક વચ્ચે ફક્ત આ ત્રણ ધારાસભ્યોએ પ્રજાહિતની વાત કરી


Foto

પગાર વધારા વિધેયક વચ્ચે ફક્ત આ ત્રણ ધારાસભ્યોએ પ્રજાહિતની વાત કરી

Sept. 19, 2018, 3:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિધાનસભાના સત્રમાં આજે પગાર વધારા સુધારા વિધેયક રજુ થયું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. પગાર વધારા બાબતે બંને પક્ષોનાં નેતાઓ સંપી ગયા હતા ત્યારે ત્રણ ધારાસભ્યોએ જનતાના હિતની વાત કરી હતી. આ ત્રણ ધારાસભ્યોમાં કોંગ્રેસના નિરંજન પટેલ, પ્રતાપ દુધાત અને અપક્ષ જીજ્ઞેશ મેવાણીએ જનતાના હિતની વાત કરી હતી.

પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હું પગાર વધારો નહીં લઉં. તેઓએ કહ્યું હતું કે આ વિધેયક આવ્યું ત્યારે હું વિધાનસભામાં હતો નહિ પરંતુ મીડિયાના માધ્યમથી કહું છું કે જ્યાં સુધી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી આ પગાર વધારો નહિ લઉં.

કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય નિંરજન પટેલે જણાવ્યું હતું કે જનતા મોંઘવારીથી પરેશાન છે ત્યારે તેનો ઉકેલ લાવવો જોઈએ. વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ધારાસભ્યોના પગાર વધ્યાં એટલે મારો પણ પગાર વધ્યો -સારી વાત છે. પણ ગુજરાતના કારખાનાના લાખો કામદારો, ખેતમજૂરો અને ફિક્સ પગાર-આઉટ સોર્સ-કોન્ટ્રાક્ટના લાખો કર્મચારીઓનું શું? આ કામદારો-કર્મચારીઓને તો લઘુત્તમ વેતન પણ ચૂકવાતું નથી.

આજે જ્યારે મારા સહિત સૌ ધારા સભ્યોનો પગાર વધ્યો છે ત્યારે હું પણ ફિક્સ પગાર અને કોન્ટ્રાકટના કર્મચારીઓ માટે ગુજરાતની આ જ વિધાનસભામાં 'ફિક્સ પગાર નાબૂદી ધારો' આવતા 2 વર્ષમાં ખાનગી બિલ તરીકે દાખલ કરાવીશ. આ ઉપરાંત રોડ ઉપર આ શ્રમજીવી વર્ગ અને કર્મચારીઓ સાથે જે આંદોલનો અને સંઘર્ષમાં હતો તેને ઓર તેજ કરીશું.