loader

Breaking News


Home > Gujarat > સ્ટેચ્યુ ઓફ યુનિટીની આડમાં વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કઢાયું


Foto

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આડમાં વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કઢાયું

Oct. 23, 2018, 4:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આગામી તા.૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે અને તે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેની બીજીબાજુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીઓ કે તેના ઉત્સાહના અતિરેકમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા મોટા પ્રમાણમાં વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. ઉદ્‌ઘાટન સ્થળ સુધીના માર્ગને વ્યવસ્થિત બનાવવા માટે દોઢસો વર્ષ કે તેથી પણ વધુ જૂના બહુમૂલ્ય વૃક્ષોનો સોથ વાળી દેવાતાં સ્થાનિક આદિવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો મામલો હાલ રાજયમાં કેન્દ્રસ્થાને બની રહ્યો છે ત્યારે બીજીબાજુ, સ્થાનિક આદિવાસીઓથી માંડી રાજયના આદિવાસી સમાજમાં આ પ્રોજેકટની આડમાં સરકાર દ્વારા તેઓની જમીન છીનવવાથી માંડી બેઘર કરવા સુધીના થઇ રહેલા પ્રયાસોને લઇ ક્યાંકને ક્યાંક વિરોધ થઇ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે માર્ગોને વ્યવસ્થિત કરવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. જેમાં કેટલાક વૃક્ષો ૧૦૦થી ૧૫૦ વર્ષ જૂના છે. જે અંગે સ્થાનિક આદિવાસીઓ અને પ્રકૃતિપ્રેમી જનતાએ સત્તાવાળાઓના આ પગલાંનો ઉગ્ર વિરોધ કરી આક્રોશ પ્રગટ કર્યો હતો.

સ્થાનિક આદિવાસી અગ્રણીઓના જણાવ્યાનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચતા માર્ગોમાં અંકલેશ્વરથી કેવડીયા કોલોની અને વડોદરાના કપુરાઈ ચોકડીથી કેવડીયા સુધી માર્ગ પર આવતા સેંકડો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. સરકાર અને સત્તાવાળાઓ તેમનું સારું દેખાડવા માટે નિર્દોષ અને બહુમૂલ્ય વૃક્ષોનો ભોગ લઇ શકે નહી, આ એક ગંભીર અપરાધ છે.