loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં ગરમીથી ત્રાહીમામ થયા લોકો, પારો 45 પહોચતા લોકોએ ઘરથી બહાર નિકળવાનું ટાળ્યું


Foto

અમદાવાદમાં ગરમીથી ત્રાહીમામ થયા લોકો, પારો 45 પહોચતા લોકોએ ઘરથી બહાર નિકળવાનું ટાળ્યું

May 24, 2018, 12:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરમાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પારો ૪૫થી પણ ઉપર પહોંચ્યો હતો. આગામી બે દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં જુદા જુદા ભાગોમાં પારો ૪૧ થી ૪૫ સુધી રહી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતનાં વિવિધ ભાગોમાં પારો ૪૦ થી ૪૪ વચ્ચે રહેવાની ચેતવણી જારી કરાઈ છે.



દક્ષિણ ગુજરાતમાં પણ પારો વધારે રહી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. ગઇ કાલે સૌથી વધુ ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં ગઇ કાલે પારો ૪૩.૪ ડિગ્રી રહ્યો હતો. બપોરનાં ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. બીજી બાજુ વધતી ગરમી વચ્ચે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૯ દિવસનાં ગાળામાં જ ઝાડા ઉલ્ટીનાં ૭૪૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૯ જ દિવસમાં ૧૭૩ અને ટાઇફોઇડનાં ૨૦૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાનાં ૧૯ દિવસનાં ગાળામાં ૨૭૬ કેસ નોંધાયા છે.

વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાનાં ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. બપોરનાં ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરનાં ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરનાં જુદા જુદા વિસ્તારમાં બપોરનાં ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીનાં પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ઉપર જઈ શકે છે. વધતી જતી ગરમીનાં કારણે લોકો હવે વધુમાં વધુ સાવધાન થયા છે અને બપોરનાં ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને રાહત આપવા માટે જુદા જુદા વિસ્તારમાં પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પાણીનાં જગ મુકાયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેક વિસ્તારોમાં સક્રિય થયેલી છે. જેના પરિણામ સ્વરૂપે લોકોને તીવ્ર ગરમી વચ્ચે મદદ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ લોકો જોખમ લઈને બહાર નીકળવા માટે તૈયાર નથી. ગરમીનાં કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. વધતી જતી ગરમી વચ્ચે હાલમાં લોકોને સાવધાવ રહેવાની જરૂર છે. બીજી બાજુ હાલમાં ગરમીથી બચવા માટે તમામ પ્રયાસો જરૂરી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે.