loader

Breaking News


Home > National > પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો, લોકોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ


Foto

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો, લોકોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ

May 26, 2018, 1:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતનાં કારણે લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયા છે. આજે સતત ૧૨માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે પેટ્રોલની કિંમતમાં ૩૨ પૈસાનો વધારો કરવામાં આવતા મુંબઈમાં તેની કિંમત ૮૫.૬૫ સુધી પહોંચી ગઈ હતી. આવી જ રીતે ડિઝલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો કરવામાં આવતા તેની કિંમત વધીને મુંબઈમાં ૭૩.૨૦ સુધી પહોંચી ગઈ હતી.



દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૩૬ પૈસા વધી જતાં તેનો ભાવ લીટરદીઠ ૭૭.૮૩ થયો હતો જ્યારે ડીઝલમાં ૨૨ પૈસાનો વધારો થતાં તેની કિંમત ૬૮.૭૫ થઇ હતી. મુંબઈમાં છેલ્લા ૧૨ દિવસનાં ગાળામાં પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૧.૦૨ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૭.૨૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખાતરી આપી છે કે, સરકાર કિંમતોને કાબૂમાં લેવા માટે તમામ પગલા પર વિચારણા કરી રહી છે. ઓઇલ કિંમતો માટેનાં ઇંન્ટરનેશનલ બેંચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઠ ૭૮.૭૬ સુધી પહોંચી ગઈ હતી. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ઘટાડવામાં આવશે. રિટેલ કિંમતોને કાબૂમાં લેવાના પ્રયાસ થઇ રહ્યા છે.

વેનેઝુએલામાં પ્રમુખની ચૂંટણી બાદ ક્રૂડનાં ઉત્પાદનમાં સંભવિત ઘટાડો થઇ રહ્યો છે. દેશ ઉપર અમેરિકાનાં પ્રતિબંધની અસર દેખાઈ રહી છે. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ ઝીંકતા તેની પણ અસર જોવા મળી રહી છે. ઓપેક દેશો ઉત્પાદનને વધારવા માટે નિર્ણય કરી શકે છે. કારણ કે, ઇરાનિયન અને વેનેઝુએલાનાં સપ્લાયને લઇને અનિશ્ચિતતાનું વાતાવરણ છે. દેશની ટોપ રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ ટૂંકમાં જ ટ્રેડિશનલ ઓઇલ સપ્લાયર્સ બની શકે છે. મોટાભાગે મધ્ય પૂર્વમાં તેની અસર રહેશે. ઇરાનનાં સૌથી મોટા ઇન્ડિયન ઓઇલ ક્લાઇન્ટ આઈઓસીને ગણવામાં આવે છે. ભારત તેની ૭૦ ટકા તેલ જરૂરિયાતોને આયાત મારફતે પૂર્ણ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધતા જતા ભાવને લઇને વિરોધ પ્રદર્શનનો દૌર શરૂ થઇ ગયો છે.

દેશનાં જુદા જુદા શહેરોમાં લોકો હવે વિરોધ પ્રદર્શન માટે મેદાનમાં ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. મોદી સરકારની ટિકા પણ કરી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ ડીઝલને લઇને જોરદાર દેખાવો કરાયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૮૫.૬૫ સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં આજે વધારો કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. કોંગ્રેસનાં નેતાઓનું કહેવું છે કે, મુંબઈમાં રહેતા લોકો પેટ્રોલ અને ડીઝલ માટે સૌથી વધુ કિંમત ચુકવી રહ્યા છે. દેશનાં અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એચપીસીએલનાં વડા મુકેશ સુરાણાનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને સમીક્ષા કરવામાં આવી રહી છે.