loader

Breaking News


Home > Gujarat > રખડતા ઢોરોને ખાસ ટેગીંગ કરવા તૈયારી


Foto

રખડતા ઢોરોને ખાસ ટેગીંગ કરવા તૈયારી

Aug. 2, 2018, 12:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરનાં જાહેરમાર્ગો અને રસ્તા પર રખડતાં ઢોરોની સમસ્યા અને ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને લગાવેલી ફટકાર બાદ અ.મ્યુ.કો. સત્તાધીશોએ રખડતા ઢોરોની સમસ્યાનાં નિવારણનાં ભાગરૂપે શહેરનાં રખડતા ઢોર, પશુઓને ટેગીંગ કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે.રખડતા ઢોર સહિતનાં પશુઓને ટેગીંગ લગાવ્યા બાદ ઢોર, તેના માલિક સહિતની નોંધણી પણ અ.મ્યુ.કો.નાં રેકર્ડમાં કરાશે. આગામી દિવસોમાં અમ્યુકો તંત્ર દ્વારા શહેરમાં રખડતા ઢોર-પશુઓને ટેગ લગાવવાની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરની વર્ષો જૂની સમસ્યા અને ત્રાસનાં કારણે શહેરનાં કેટલાય વિસ્તોરમાં ટ્રાફિક જામ ઉપરાંત, ઘણીવાર વાહનચાલકો અને રાહદારીઓનાં જીવ જોખમમાં મુકાયા છે. કેટલાક કિસ્સામાં તો નિર્દોષોએ પ્રાણ પણ ગુમાવ્યા છે. ખુદ ગુજરાત હાઇકોર્ટે આ બાબતને લઇ નાગરિકોનાં હિતમાં અને તેમના જાન-માલનાં રક્ષણને લઇ અ.મ્યુ.કો. તંત્રને આ સમસ્યાનાં કાયમી નિવારણ માટે સતત અને સમયાંતરે નિર્દેશો જારી કર્યા છે. જો કે, અ.મ્યુ.કો. દ્વારા આ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ હજુ સુધી શોધી નહી કઢાતાં હાઇકોર્ટમાંથી કેટલીયેવાર અ.મ્યુ.કો. સત્તાધીશોએ ફટકાર પણ ખાધી છે. દરમ્યાન તાજેતરમાં રખડતા ઢોરોને લઇ હાઇકોર્ટે અ.મ્યુ.કો. તંત્રને કરેલા કડક દિશાનિર્દેશોને લઇ હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રખડતાં ઢોરનું ટેગિંગ કરવાની દિશામાં ચક્ર ગતિમાન કરાય છે. અલબત્ત, તંત્ર પાસે શહેરમાં રખડતાં ઢોરની અંદાજિત કુલ સંખ્યા પણ નથી. અત્યાર સુધી જેટલાં પણ ઢોર પકડાય છે તેના શિંગડાં પર કલર ર્માકિંગ કરીને રજિસ્ટ્રેશન કરાય છે, પરંતુ પ્રથમવાર તંત્ર ઢોરનું ટેગિંગ કરવા જઈ રહ્યું છે.

આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે, તંત્ર દ્વારા ટેગિંગ પદ્ધતિ હેઠળ ડબામાં પૂરાતાં રખડતાં ઢોરના કાનમાં ફાઈબર અથવા ધાતુનું ટેગ લગાડાશે. ઢોરને લગાવનારા ટેગમાં આંકડાકીય માહિતી દર્શાવાશે. જેના આધારે નજીકના ભવિષ્યમાં શહેરના કુલ રખડતાં ઢોરની સંખ્યા જાણી શકાશે. મ્યુનિસપલ સત્તાધીશો રખડતાં ઢોરને ટેગ લગાવ્યા બાદ તેના માલિકની માહિતી કમ્પ્યૂટરમાં નોંધશે. અત્યાર સુધી શહેરમાં ઢોર પકડવા માટે ત્રણ ટીમ કાર્યરત હતી, પરંતુ હવે નવી ૪થી ટીમ પણ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત રખડતાં ઢોરને પકડવાની કામગીરી ખાનગી એજન્સીને સુપરત કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયાં છે. દરમિયાન રખડતાં ઢોરને લગતો હાલનો દંડ ખોરાકી તથા વહીવટી ચાર્જને બમણો કરવાની દિશામાં સક્રિય વિચારણા ચાલી રહી છે.