loader

Breaking News


Home > Gujarat > પરમીટ દારૂના ભાવ વધતા ગુજરાતમાં વેચાણ ૩૦થી ૩૫ ટકા જેટલું ઘટ્યું


Foto

પરમીટ દારૂના ભાવ વધતા ગુજરાતમાં વેચાણ ૩૦થી ૩૫ ટકા જેટલું ઘટ્યું

April 12, 2018, 2:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા તા.૧લી એપ્રિલથી પરમીટના દારૂ પરની એક્સાઇઝ ડયુટી વધારી દેતાં આ ભાવવધારાની સીધી અને ગંભીર અસર પરમીટના દારૂના વેચાણ અને વ્યવસાય પર પડી છે. સરકારના ભાવ વધારાના કારણે પરમીટ શોપ્સમાં દારૂનું વેચાણ ૩૦થી ૩૫ ટકા જેટલું ઘટી ગયું છે. એટલું જ નહી, ઇમ્પોર્ટેડ દારૂના ભાવવધારાના કારણે કિંમત ડબલ થઇ જતાં તેનું કોઇ ખરીદદાર મળતું નથી કારણ કે, આસપાસના રાજ્યોમાં આ દારૂની કિંમત ઘણી સસ્તી છે. તો બીજીબાજુ લોકો મોંઘા ટેક્સ સાથે દારૂ ખરીદવાનું ટાળી રહ્યા હોવાથી સરકાર કરોડો રૂપિયાની ટેક્સ રેવન્યુ ગુમાવી રહી છે.

પરમીટના દારૂ પરની આકરી એક્સાઇઝ ડયુટી ઝીંકાતા દારૂનું વેચાણ ઘટવાની સાથે સાથે તેને આનુષંગિક તકલીફો અને મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે. જેમ કે, આરોગ્યને લગતી પરમીટ હોય તેવા નાગરિકો પણ હવે દારૂ ખરીદતાં અચકાઇ રહ્યા છે કારણ કે, પરમીટના દારૂના ભાવમાં ૩૫ ટકા જેટલો વધારો ઝીંકાયો છે અને પરમિટ ધરાવતા લોકોમાં સૌથી વધુ સીનિયર સિટિઝન છે તે વાત પણ એટલી જ નોંધનીય છે.

કેટલાક સિનિયર સીટીઝન્સ તો ડોકટરોની સલાહ મુજબ, અમુક માત્રામાં દારૂનું સેવન કરવા ટેવાયેલા છે પરંતુ તેઓને પણ હવે મહિને રૂ.ચારથી પાંચ હજાર જેટલો આર્થિક ભાર સહન કરવાનો આવતાં તેઓને તે પોષાય તેમ નથી. ક્યા પરમિટ હોલ્ડરને કેટલી બોટલ મળી શકે તે ઊંમર પર આધાર રાખે છે.