loader

Breaking News


Home > Gujarat > સંજય ભટ્ટની 20 વર્ષ જૂના કેસમાં થઇ ધરપકડ, શું છે સમગ્ર બાબત જાણો


Foto

સંજય ભટ્ટની 20 વર્ષ જૂના કેસમાં થઇ ધરપકડ, શું છે સમગ્ર બાબત જાણો

Sept. 6, 2018, 1:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઈમે આજે પૂછપરછનાં બહાને અટકાયત બાદ ધરપકડ કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ૨૦ વર્ષ પહેલા ૧૯૯૮માં પાલનપુરની એક હોટલમાથી એક કિલો અફીણ પકડાવાનાં એનડીપીએસનાં કેસમાં શમશેરસિંહ રાજપુરોહિત નામનાં એક વકીલની રાજસ્થાનનાં પાલીમાંથી તપાસ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમ્યાન સંજીવ ભટ્ટ બનાસકાંઠાનાં એસપી હતા.સંજય ભટ્ટની સાથે જ પીઆઈ ઇન્દ્રવદન વ્યાસ સહિત કુલ સાત જણાંની પણ ધરપકડ કરવામાં આવી હતી. સંજીવ ભટ્ટ સહિત સાતની ધરપકડને પગલે રાજયનાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. ચકચારભર્યા આ પ્રકરણની વિગતો એવી છે કે, સંજીવ ભટ્ટ અને બનાસકાંઠાનાં સાત પૂર્વ પોલીસકર્મીઓની ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા અટકાયત કરી પૂછપરછ હાથ ધરાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૮માં પાલનપુર પોલીસ સ્ટેશનમાં એડવોકેટ શમશેરસિંહ રાજપુરોહિત વિરૂધ્ધ નોર્કોટિક્સનો એક કેસ નોંધાયો હતો. જો કે, ધરપકડનાં એક દિવસ બાદ ઓળખપરેડમાં હોટલનાં માલિકે વકીલ શમશેરસિંહને ઓળખવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે ત્યારબાદ તાત્કાલિક રાજપુરોહિતને ડિસ્ચાર્જ કરવાનો રિપોર્ટ ફાઇલ કરી દેવાયો હતો, જેને સ્પેશ્યલ કોર્ટે એક સપ્તાહ પછી તેને સ્વીકારી લીધો હતો. જેને પગલે એડવોકેટ શમશેરસિંહે પાલીમાં જજ આર.આર.જૈન, સંજીવ ભટ્ટ અને તેમના સાથી પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ પાલીમાં અપહરણ અને એનડીપીએસનાં ખોટા કેસમાં પોતાને ફસાવી દેવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

બનાસકાંઠાના એસપી તરીકે સંજીવ ભટ્ટ ફરજ બજાવતા હતાં ત્યારે અમદાવાદ સેશન્સ જજ આર આર જૈને તેમને એક વ્યક્તિગત કેસમાં મદદ કરવા કહ્યું હતું. રાજસ્થાનનાં પાલીમાં તેમના સંબંધી ફૂટરમલનો રાજ પુરોહિત નામનાં વકીલ સાથે મિલકતને લઈને વિવાદ ચાલતો હતો તેમાં મદદ માંગી હતી. વકીલ મકાન ખાલી કરવા તૈયાર ન થતાં સંજીવ ભટ્ટની મદદ માંગી હતી. પાલનપુર ચોકડી પર આવેલી લાજવંતી હોટલમાં એક અજાણ્યો વ્યક્તિ આવીને પોતાની ઓળખ રાજપુરોહિત તરીકે આપીને રૂમ ભાડે રાખે છે. રૂમમાં એક કિલો અફીણનું પેકેટ મૂકી રૂમ લોક કર્યા વગર બાદમાં નીકળી જાય છે. થોડા સમય બાદ બનાસકાંઠા પોલીસનાં કંન્ટ્રોલ રૂમને ફોન દ્વારા લાજવંતી હોટલમાં ઉતરેલા રાજપુરોહિત પાસે અફીણનો જથ્થો છે તેવી બાતમી અપાય છે. પાલીમાં વકીલનાં પરિજનોએ પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરી હતી કે ખાનગી ડ્રેસમાં આવેલા લોકો રાજપુરોહિતને ઉપાડી ગયા છે. પોલીસ નાકાબંધી કરીને પીઆઈ આર પી પુરોહિત અને પી જે ચૌધરીની કારને રોકે છે. બંને રાજસ્થાન પોલીસને માહિતી આપીને વકીલને પાલનપુર લઈ જતાં હોવાનું જણાવે છે. પરંતુ સ્થાનિક પોલીસ પાલી પોલીસ સ્ટેશનમાં તેની નોંધ કરીને પાલનપુર લઈ જવા આગ્રહ રાખતા પાલનપુર પોલીસનાં અધિકારી પાલી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવે છે. સાથે જ વાહન નંબર બદલી પોલીસ રાજસ્થાન ગઈ હોવાની નોંધ સ્ટેશન ડાયરીમાં કરાવે છે. ખાનગી રાહે પકડી લાવેલા રાજપુરોહિતને પોલીસ સ્ટેશનને બદલે એસપી સંજીવ ભટ્ટ પાસે લઈ જવામાં આવે છે. જ્યાં ભટ્ટ અને પુરોહિત ચર્ચા કરે છે. બાદમાં તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા ૭ દિવસનાં રિમાન્ડ મેળવવામાં આવે છે. દરમિયાન વકીલને ભટ્ટ ઘર ખાલી કરવા માટે કહેતા તેના પર કરવામાં આવેલા કેસને પગલે તે ઘરની ચાવી આપી દે છે. તે સાત દિવસનાં રિમાન્ડ પર હોવા છતાં ચાવી આપતા બીજા દિવસે જ તેના રિમાન્ડની જરૂર ન હોવાનો કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે છે. બાદમાં વકીલ રાજપુરોહિત સામે સીઆઈપીસી ૧૬૯ મુજબ કોઈ પુરાવા ન હોવાનો રિપોર્ટ પણ આપે છે.

બનાસકાંઠા પોલીસે રાજસ્થાનના વકીલ પર ખોટો નાર્કોટિક્સનો કેસ કર્યો હોવાથી વકીલો દેશવ્યાપી હડતાળ પાડે છે. એક વર્ષ જેટલો સમય રાજસ્થાનમાં હડતાળ ચાલતાં છેવટે રાજસ્થાનમાં સીઆઈડી વકીલ રાજ પુરોહિતની અપહરણને નોંધે છે. જેમાં મકાન માલિક ફુટરમલની ધરપકડ કરવામાં આવે છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચી તપાસ કરવા સીઆઈડી ક્રાઈમને આદેશ કર્યો હતો. જે અંતર્ગત આઈજીપી અજય તોમર, ડીઆઈજી દિપાંકર ત્રિવેદ્દી અને એસપી વિરેન્દ્રસિંહ યાદવ તપાસ કામગીરી બજાવી રહ્યા છે. સાથે જ સેશન્સ જજ જૈનને સેવા નિવૃત્તિ લેવા આદેશ કર્યો હતો. સીટની તપાસમાં નાર્કોટિક્સનાં કેસ સાથે સંકળાયેલા તમામ પોલીસકર્મીઓ સંજીવ ભટ્ટની વિરૂધ્ધમાં અને તેમાં ખોટો કેસ કરાયો હોવાનું નિવેદન આપ્યુ હતું. જેને પગલે બધા સકંજામાં સપડાયા હતા.