loader

Breaking News


Home > Health > ઢળતી ઉંમરમાં અનિંદ્રાથી પીડાતા લોકોમાં ઊંઘની ગોળીનું સેવન વધ્યું


Foto

ઢળતી ઉંમરમાં અનિંદ્રાથી પીડાતા લોકોમાં ઊંઘની ગોળીનું સેવન વધ્યું

Sept. 25, 2018, 10:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જેમ જેમ માનવીની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેના ઊંઘવાનાં કલાકો ઘટતા જાય છે. નવજાત શિશુ દિવસમાં ૧૮ થી ૨૦ કલાક સુતું જ રહે છે. એક વયસ્ક વ્યક્તિને દિવસમાં ઓછામાં ઓછા ૮ કલાકની ઊંઘ જરુરી હોય છે અને ૬૦ વર્ષ પછી સુવાનાં કલાક ઘટતા જાય છે. મોટી ઊંમરની વ્યકિતઓને ઊંઘની સમસ્યા સતાવતી હોય છે એટલે કે તેઓ અનિંદ્રાથી પીડાતા હોય છે. તેઓ રાત્રે એકધારી ઊંઘ મેળવી શકતા નથી આથી તેઓએ ઊંઘની ગોળીઓની મદદ લેવી પડે છે. થોડા સમય પછી તેઓને આ ગોળીઓની આદત પડી જાય છે અને આ ગોળીઓ લીધા વિના તેઓને ઊંઘ આવતી નથી.



રોજેરોજ આ ગોળીઓ લેવાથી તેમનું શરીર તેનાથી ટેવાઇ જાય છે અને ધીમે ધીમે ગોળીની અસર ઓછી થાય છે તેથી ગોળીની માત્રા વધારવી પડે છે. પરંતુ આ ગોળીઓ લેતા પહેલા તેની આડઅસરો જાણી લેવી જરૂરી છે. કેટલીક ગોળીઓથી તરત ઊંઘ આવી જાય છે પરંતુ પાછલી રાત્રે ઊંઘ ઊડી પણ જાય છે અને સવારે માથું ભારે થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીર વાર પૂરી ઊંઘ માણ્યા પછી પણ સવારે ડિપ્રેશનનાં ભોગ બની જાય છે. માથું ભમતું હોવાની, શરીરની સમતુલા ખોરવાઇ જવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. મોટી ઉંમરે કિડનીની કાર્યક્ષમતા ઓછી થઇ જાય છે આથી શરીરમાં પ્રવેશેલી દવાની નકામી માત્રા બહાર ફેંકાઇ જતી નથી. આથી દવાઓ શરીરમાં એકઠી થવા લાગે છે અને આડઅસરો થવાની સંભાવના વધી જાય છે.

આ બધી પરિસ્થિતિઓથી દૂર રહેવા બને ત્યાં સુધી ઊંઘની ગોળીઓનો ઉપયોગ ન કરવો જાઇએ પરંતુ ઉપયોગ કર્યા સિવાય ચાલે તેવું ના હોય તો ઓછી માત્રામાં ઉપયોગ કરવો અને ઊંઘ લાવવામાં મદદરૂપ થાય તેવા અન્ય વિકલ્પો શોધવા અને અપનાવવા જોઇએ. બપોરે ઊંઘવાની આદતથી દૂર રહેવું. એક ઝોકું ખાવું હોય તો તે અડધો કલાકથી વધુ ન હોવું જોઇએ. ઊંઘવાના સમયે ચા,કોફી જેવા પીણાંનું સેવન ના કરવું. રાત્રે ઊંઘ આવે તે માટે અન્ય ઉપાયો અજમાવી શકાય. જેવા કે પુસ્તક વાંચવું, ગરમ દૂધ પીવું, કર્ણપ્રિય સંગીત સાંભળવું, હૂંફાળા પાણીમાં પગ બોળીને રાખવા, જમ્યા બાદ થોડું ચાલવું. ઊંઘની ગોળીની આદતથી છૂટકારો મેળવવા ઉપર મુજબનાં ઉપાયો લાંબા સમય સુધી અજમાવી જોવાથી ફાયદો થતો જોવા મળે છે. પરિણામ મેળવતા લગભગ બે-ત્રણ સપ્તાહનો સમય લાગતો હોય છે. આ ઉપરાંત પ્રાણાયમ, શવાસન અથવા ધ્યાન-યોગનો પણ સહારો લઇ શકાય.