loader

Breaking News


Home > Gujarat > હવે થોડા જ સમયમાં સૌરાષ્ટ્રનાં લોકો દરિયાનું મીઠું પાણી પીશે.


Foto

હવે થોડા જ સમયમાં સૌરાષ્ટ્રનાં લોકો દરિયાનું મીઠું પાણી પીશે.

April 26, 2018, 1:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ગાંધીનગર:નર્મદાનું પાણી ના મળી શકે એવા સંજોગોમાં પણ સરકાર સૌરાષ્ટ્રના લોકોને પીવાનાં પાણીની તકલીફ ના પડે એ માટે મોરબી અને જામનગર જિલ્લાના માળિયા-જોડિયાની વચ્ચે દરિયાકિનારાની નજીક પી.પી.પી. મોડેલ પર ડિસેલિનેશન પ્લાન્ટ કાર્યરત થશે. આ પ્લાન્ટની ક્ષમતા 100 એમએલડી (રોજનું 10 કરોડ લીટર) એટલે કે 10 લાખ લોકોની દૈનિક પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી હશે. આ પ્લાન્ટમાંથી મળનારું પાણી 1 લીટર દીઠ 5.7 પૈસામાં પડશે. 100 એમએલડી પાણીના શુદ્ધીકરણ માટે અંદાજે 237 એમએલડી પાણી દરિયામાંથી ખેંચવામાં આવશે.

પીવાના પાણીના કાયમી વિકલ્પ તરીકે મુખ્ય દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો આ પ્લાન્ટ નાખનારું ગુજરાત, તમિલનાડુ બાદ દેશનું બીજું રાજ્ય બનશે. આ માટે રાજ્યના 17 જિલ્લાના 196 શહેર, 12028 ગામોને મળીને રાજ્યની 75 ટકાથી વધુ વસ્તી પીવાનાં પાણી માટે નર્મદા ઉપર આધારિત છે ત્યારે કોઈ કારણસર નર્મદાનો પુરવઠો ન મળે અથવા કૅનાલ કે પછી પાઇપલાઇનમાં ભંગાણ પડે,અથવા કોઈ ટૅક્નિકલ ખામી ઊભી થાય, તેવા સંજોગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થતી હોય છે.

આવી પરિસ્થીતીને ટાળવા માટે આવા વિસ્તારોમાં વૈકલ્પિક સ્રોત ઊભો કરવા ડિસેલિનેશન (દરિયાનું ખારું પાણી શુદ્ધ કરી પીવાયોગ્ય બનાવવાનો) પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે કહ્યું હતું કે આગામી દિવસોમાં આવા અનેક પ્લાન્ટ ઊભા કરીને ગુજરાતની જનતા માટે પીવાનાં પાણીના દુકાળને ભૂતકાળ કરી દેવાની સરકારની યોજનાં છે.

મિનરલ વોટર જેવી ગુણવત્તા હશે:

ગુજરાત 1600 કિલોમીટરનો દેશનો સૌથી વિશાળ દરિયાકિનારો ધરાવે છે. આ કુદરતી સંપદાનો ઉપયોગ કરીને ગુજરાત સરકારે ડિસેલિનેશન પ્લાન્ટ માટેની પહેલ કરી છે. ચેન્નાઈ બાદ આ પ્રકારનો પ્લાન્ટ નાખનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. 35થી લઈને 45 હજાર પીપીએમ સુધીની ખારાશ ધરાવતા દરિયાનાં પાણીને રીવર્સ ઓસ્મોસીસ (આરઓ) ટૅક્નૉલોજીનો ઉપયોગ કરીને મીઠું (પીવાલાયક) બનાવાશે. આ પાણીને પછી ફિલ્ટરેશનની જરૂર નહીં પડે, તેની ગુણવત્તા હાલ બોટલમાં મળતા (મિનરલ) પાણી જેટલી હશે.

800 કરોડના ખર્ચે સરકારનો પ્લાન્ટ:

રાજ્ય સરકાર દ્વારા આ પ્લાન્ટનું ટેન્ડર એસેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કંપનીને અપાયું છે, જે સ્પેનની કંપની સાથે મળીને પ્લાન્ટ નાખશે. પ્લાન્ટનો ખર્ચ 800 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ તમામ ખર્ચ કંપની ઉઠાવશે. રાજ્ય સરકાર માત્ર જમીન આપશે અને પ્લાન્ટનું પાણી ખરીદવા માટેના કરાર કરશે. હાલ રાજ્યમાં પ્રથમ પ્લાન્ટ માટે કરારો કરાયા છે. ધીમેધીમે અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના પ્લાન્ટ કાર્યરત કરાશે.

હજાર લિટર પાણી 57 રૂપિયામાં પડશે:

ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા તૈયાર થયેલું પાણી રાજ્ય સરકારને પ્રતિ એક હજાર લિટર 57 રૂપિયામાં એટલે કે એક લિટર પાણી 5.7 પૈસામાં પડશે. ડિસેલિનેશન પ્લાન્ટ માટેનો કરાર 25 વર્ષ સુધીનો રહેશે, જેમાં દર વર્ષે 3 ટકા લેખે વધારો કરાશે.

ખારું પાણી મીઠું કરી આપતી જીપ:

આ વર્ષે ઈઝરાયલના વડાપ્રધાને ભારતની મુલાકાત દરમિયાન ભારતને દરિયાનું ખારું પાણી મીઠું કરતી બે જીપ ભેટ આપી હતી. એક જીપની કિંમત 1.11 લાખ ડૉલર છે. એક જીપ દિવસમા દરિયાનું વીસ હજાર લિટર અને નદીનું ગંદું પાણી 80 હજાર લિટર શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. જીપ ઈન્ટિગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન વ્હિકલ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પાણી બનાવવા માટે આ વ્હિકલ જાણીતું છે.

અા વિસ્તારોને પણ પાણી મળશે :

પ્લાન્ટમાંથી રોજનું 10 કરોડ લિટર પાણી મેળવીને જોડિયાથી હીરાપર ખાતે પાઇપલાઇનમાં નાખવામાં આવશે. હીરાપરથી હાલની પાણી પુરવઠા ગ્રીડના નેટવર્કથી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લાનાં ગામોને પાઇપલાઇનથી પાણી આપી શકાશે.

ડિસેલિનેશન પ્લાન્ટનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે, રાજ્ય સરકાર તેમને માત્ર જમીન આપશે:

માળિયા-જોડિયાની વચ્ચે 100 એમએલડીનો પ્લાન્ટ રોજના 10 લાખ લોકોની જરૂરિયાત સંતોષવાની ક્ષમતા ધરાવતો હશે. પીવાનાં પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. અઢી વર્ષમાં પ્લાન્ટ કાર્યરત થઈ જશે.

આવી રીતે પીવાનાં પાણીની સમસ્યાનો હલ આવશે:

મુખ્યમંત્રી રૂપાણીના કહેવા મુજબ, ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે, જેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તેમ છે. પીવાનાં પાણી માટે અનિયમિત વરસાદ પર મોટો આધાર રાખવો પડે છે. ગુજરાતમાં ડિસેલિનેશન પ્લાન્ટ પ્રાયોગિક ધોરણે શરૂ થવા જવાનો છે.