loader

Breaking News


Home > Gujarat > રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સંબધિત એમ.બી. શાહ રીપોર્ટ જાહેર કરવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો


Foto

રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સંબધિત એમ.બી. શાહ રીપોર્ટ જાહેર કરવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો

March 8, 2018, 3:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત રાજયમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો જસ્ટિસ એમ.બી. શાહ તપાસ પંચનો રિપોર્ટ જાહેર કરવાની રાજય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં સાફ શબ્દોમાં ના પાડી દીધી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમ્યાન ગુજરાતમાં નાણાંકીય ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માટે રચાયેલા એમ.બી.શાહે અગાઉ વિધાનસભામાં જે રિપોર્ટ રજૂ કર્યો હતો તે રિપોર્ટ પ્રસિધ્ધ કરવા મુદ્દે આજે સરકાર દ્વારા સાફ નનૈયો ભણવામાં આવ્યો હતો, જેને લઇ વિપક્ષ કોંગ્રેસ અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ઉગ્ર વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા એમ.બી.શાહ તપાસ પંચ અંગેનો પ્રશ્ન પૂછતાં જણાવાયું હતું કે, ગુજરાતમાં મોદી રાજમાં થયેલા કરોડો રૂપિયાનાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની તપાસ માટે રચાયેલ એમ.બી.શાહ કમીશન તરફથી રાજય સરકારને રિપોર્ટ સુપ્રત કરાયો હતો અને ગત તા.૩૧-૩-૨૦૧૭ના રોજ વિધાનસભા ગૃહમાં આ રિપોર્ટ રજૂ કરાયો હતો પરંતુ રિપોર્ટ રજૂ થયાના ત્રણ માસમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ હજુ સુધી તે જાહેર કરાયો નથી.

સરકારે આ રિપોર્ટ જાહેર કરવો જાઇએ તેવી માંગ મેવાણીએ કરી હતી. જો કે, રાજય સરકારના મંત્રી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં આ રિપોર્ટ પ્રસિધ્ધ કે જાહેર કરવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે, એકશન ટેકન રિપોર્ટ પ્રચલિત કરવાનો થતો નથી. સરકારે એમ.બી.શાહ તપાસ પંચનો રિપોર્ટ જાહેર કરવાનો ઇનકાર કરી દેવાતાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો અને મેવાણીએ ભારે વિરોધ કર્યો હતો.