loader

Breaking News


Home > Gujarat > સરપંચની ટર્મના એક વર્ષ સુધી અવિશ્વાસ દરખાસ્ત નહી લાવી શકાય, હાઇકોર્ટે આપ્યો ચુકાદો


Foto

સરપંચની ટર્મના એક વર્ષ સુધી અવિશ્વાસ દરખાસ્ત નહી લાવી શકાય, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

May 10, 2018, 4:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વધતી રાજકીય દખલગીરી અને લોકોની પરેશાનીને દુર કરવાના ઉદ્દેશથી ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ગ્રામ પંચાયતના સરપંચ સામે તેની ટર્મના એક વર્ષ સુધી પંચાયતના સભ્યો અવિશ્વાસ દરખાસ્ત નહીં લાવી શકે અને તેમને દુર નહીં કરી શકે.

આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ સામે પણ ૬ માસ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને દુર નહીં કરી શકાય. રાજયની પંચાયત વ્યવસ્થાને મજબૂત કરતો ખૂબ જ મહત્વનો ચુકાદો આપતા હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, ચૂંટણીના તુરંત બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પારિત કરીને સરપંચને દૂર કરવા એ પંચાયતી રાજના મૂળ હેતુથી વિપરીત છે. જે પંચાયત રાજના મૂળભૂત સિધ્ધાંતના ભંગ સમાન છે.

આ ચુકાદા મારફતે ગુજરાત હાઇકોર્ટે ગ્રામ પંચાયતોના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખોને બહુ મોટી રાહત આપી છે. એક રીતે હાઇકોર્ટે તેઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડયું છે એમ કહી શકાય. હાઇકોર્ટનો આ ચુકાદો ગુજરાતના પંચાયતી રાજની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

ઉલ્લેખનીય છે કે , ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત ૭ થી ૩૧ સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટીકમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે. જયારે તાલુકા પંચાયત એ તાલુકા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું બીજુ સ્તર છે. અહીં તાલુકા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક તાલુકા પંચાયતના કાર્યો થાય છે.

ગુજરાતમાં તાલુકા પંચાયતોની સંખ્યા કુલ ૨૪૭ છે. તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો પ્રમુખની વરણી કરે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વધતી રાજકીય દખલગીરી નાથવાના આશયથી ગુજરાત હાઇકોર્ટે ઉપરોકત મહત્વનો ચુકાદો આપ્યો હતો અને ઠરાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના સરપંચ સામે તેની ટર્મના એક વર્ષ સુધી પંચાયતના સભ્યો અવિશ્વાસ દરખાસ્ત નહીં લાવી શકે અને તેમને દુર નહીં કરી શકે. આ જ તાલુકા પંચાયતના પ્રમુખ સામે પણ ૬ માસ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને દુર નહીં કરી શકાય. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.