loader

Breaking News


Home > National > દેશમાં વધી રહેલા રેપ પર સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્તિ કરી


Foto

દેશમાં વધી રહેલા રેપ પર સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્તિ કરી

Aug. 10, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પહેલા બિહારનાં મુઝફ્ફરપુર અને ત્યારબાદ યુપીનાં દેવરિયામાં શેલ્ટર હોમ રેપ કેસ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટ લાલઘુમ દેખાઇ હતી. આ મામલે સુનાવણી દરમિયાન કઠોર ટિપ્પણી સપાટી પર આવી હતી. સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર કેસની ગંભીર નોંધ લેતા બિહાર સરકારને જોરદાર ફટકાર લગાવી હતી.



આ દરમિયાન દેવરિયા શેલ્ટર હોમની યુવતિઓની સાથે થયેલા રેપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, દેશભરમાં આ શું થઇ રહ્યુ છે. લેફ્ટ, રાઇટ અને સેન્ટર, તમામ જગ્યાએ રેપનાં કેસ બની રહ્યા છે. તમામ જગ્યાએ રેપનાં બનાવો, આ થઇ શું રહ્યુ છે તેવો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે આજે કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલને ટાંકીને કહ્યુ છે કે, દરેક છ કલાકમાં એક યુવતિ પર રેપની ઘટના બની રહી છે. દેશભરમાં વર્ષમાં ૩૮ હજારથી વધારે રેપની ઘટના બની રહી છે. દેશમાં સૌથી વધારે રેપની ઘટના મધ્યપ્રદેશમાં બની રહી છે. બીજા નંબર પર ઉત્તરપ્રદેશ છે. સુપ્રીમ કોર્ટે નીતિશકુમાર સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે, રાજ્ય સરકાર ૨૦૦૪થી તમામ શેલ્ટર હોમને પૈસા આપી રહી છે પરંતુ સરકારને ખબર નથી કે ત્યાં શુ ચાલી રહ્યું છે. શેલ્ટર હોમમાં નિરીક્ષણ કરવાની જરૂરિયાત પણ અનુભવ કરવામાં આવી રહી નથી. એમ લાગે છે કે, આ ગતિવિધિ રાજ્ય પ્રાયોજિત છે. આ વિચારવાનો વિષય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મુઝફ્ફરપુરમાં આવેલ એનજીઓ એકમાત્ર નથી જ્યાં આ પ્રકારનાં આરોપ સપાટી ઉપર આવ્યા છે. એનજીઓ દ્વારા પોતાના રિપોર્ટમાં રાજ્ય સરકારનાં ફંડથી ચાલી રહેલી આવી ૧૫ ,સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે જે તપાસની જાળમાં છે. સુપ્રીમ કોર્ટે બિહાર શેલ્ટર હોમ કેસમાં અર્પણા ભટ્ટને એમીકસ ક્યુરી તરીકે નિમીને તપાસ હાથ ધરી છે. એમિકસે કહ્યું હતું કે, પીડિત યુવતીઓની કાઉન્સિલિંગ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આટલી મોટી ઘટનાઓ બની હોવા છતાં અધિકારીઓ દ્વારા મોડેથી તપાસ કરવામાં આવી રહી છે. સ્થિતિ ખુબ જ ગંભીર છે. સુપ્રીમ કોર્ટે મામલામાં તપાસ કરી રહેલા અધિકારીઓ સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારનાં મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમમાં યુવતિઓ સાથે રેપની ઘટના પર મચી ગયેલા રાજકીય ઘમસાણ વચ્ચે મુખ્યપ્રધાન નીતીશ કુમારે ગઇકાલે સોમવારનાં દિવસે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. નીતીશ કુમારે કહ્યુ હતુ કે આ સમગ્ર ઘટના પર માત્ર રાજનીતિ રમવામાં આવી રહી છે.

નીતીશ કુમારે દિલ્હીમાં આરજેડીનાં નેતૃત્વમાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શન ઉપર પણ પ્રહારો કર્યા હતા. નીતીશ કુમારે કહ્યુ હતુ કે, આ મામલામાં જે કોઇપણ દોષિત હશે તેમની સામે પગલા લેવામાં આવશે. આ કેસમાં સીબીઆઇ તપાસ કરી રહી છે. બિહારને લઇને રાજકીય ઘમાસાણ વચ્ચે ઉત્તરપ્રદેશમાં પણ આવો જ મામલો સપાટી પર આવી ચુક્યો છે. ઉત્તરપ્રદેશનાં દેવરિયામાં પણ બિહારનાં મુઝફ્ફરપુર શેલ્ટર હોમ જેવી ઘટના સપાટી ઉપર આવતા હાહાકાર મચી ગયો છે. અહીં શેલ્ટર હોમથી ફરાર યુવતીઓ દ્વારા જે આરોપો શેલ્ટર હોમ સંચાલકો ઉપર મુક્યા છે તેનાથી ખળભળાટ મચી ગયો છે. દેવરિયાનાં આ શેલ્ટર હોમથી ૨૪ યુવતીઓને મુક્ત કરાવામાં આવી છે અને આશરે ૧૮ યુવતીઓ હજુ પણ ગાયબ છે. શેલ્ટર હોમને વહીવટીતંત્રએ સીલ કરીને ઉંડી તપાસ હાથ ધરી છે. યુવતીઓએ પોલીસને કહ્યું છે કે, કઈરીતે ગાડીઓથી લોકો શેલ્ટર હોમમાં આવતા હતા અને અહીંથી યુવતીઓને લઇ જતાં હતા. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવરિયાનાં ડીએમને તરત જ દૂર કરીને આ મામલામાં કઠોર કાર્યવાહી માટેનાં આદેશ જારી કર્યા છે.