loader

Breaking News


Home > Gujarat > ગીરમાં વધુ બે સાવજના મોત થતાં ચકચાર, મૃતાંક ૧૩ થયો


Foto

ગીરમાં વધુ બે સાવજના મોત થતાં ચકચાર, મૃતાંક ૧૩ થયો

Sept. 25, 2018, 3:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : એશિયાટીક સિંહના ઘર તરીકે ગણાતા લોકપ્રિય ગીરમાં સિંહની હાલત કફોડી બનેલી છે. તેમના ઉપર અનેક પ્રકારના સંકટ તોળાઈ રહ્યા છે. આજે વધુ બે સાવજાના મોત થતાં મોતનો આંકડો વધીને ૧૩ ઉપર પહોંચી ગયો હતો જેથી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. સિંહોના ત્રાસથી કંટાળેલા ગીર વિસ્તારના લોકોએ ઝેર આપી દીધું હોવાની શંકા પણ પ્રબળ બની રહી છે. બીજી બાજુ વન્ય વિભાગની ટીમ દ્વારા જુદી જુદી ૬૦ ટીમો બનાવવામાં આવી છે જેના ભાગરુપે હવે તમામ સિંહના હેલ્થ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સિંહોના મોતના કારણને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે.

ગુજરાતની શાન અને ગૌરવ સમા ગીરના એશિયાટીક સિંહ પર હવે ગંભીર ખતરો તોળાઇ રહ્યો હોય એવું લાગે છે. ખુદ ગુજરાત હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને સરકારના સુરક્ષાના દાવાઓ વચ્ચે પણ છાશવારે એક પછી એક સિંહ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. એકબાજુ કેન્દ્રની ટીમ પણ સિંહોના મૃત્યુ કુદરતી રીતે થયા હોવાનું જણાવી રાજયના વનવિભાગની સૂરમાં સૂર પુરાવી રહી છે પરંતુ બીજબાજુ, સ્થાનિકો અને પર્યાવરણવિદ નિષ્ણાતોના મતે, હજુ આ સમગ્ર મામલો તપાસ માંગી લે તેવો છે કારણ કે, તેમાં અનેક સવાલો હજુ પણ રહસ્ય બની રહ્યા છે. સરકાર અને તંત્રએ ન્યાયિક તપાસ કરાવડાવી જે કંઇ સાચી હકીકત હોય તે લોકો સમક્ષ ઉજાગર કરવી જાઇએ તેવી માંગ પણ તેઓએ કરી છે.

આ બધા વિવાદ વચ્ચે હવે સિંહોના ભેંસો-ઘેટાના મારણથી ત્રાસેલા સ્થાનિક ગ્રામજનોએ જ સિંહોને મારણાં ઝેર આપી ભોગ લઇ લીધો હોવાની આશંકા સેવાઇ રહી છે, તેથી તે દિશામાં પણ સ્થાનિક પોલીસ અને વનવિભાગના અધિકારીઓ તપાસ આરંભી કોઇ કડી શોધી રહ્યા છે.