loader

Breaking News


Home > Gujarat > ઉનાનાં પીડિત દલિત પરિવારે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, અન્ય ૩૦૦ લોકોએ પણ દીક્ષા લીધી


Foto

ઉનાનાં પીડિત દલિત પરિવારે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, અન્ય ૩૦૦ લોકોએ પણ દીક્ષા લીધી

April 30, 2018, 1:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ઉના : ઉના કાંડના પીડિત દલિત પરિવારે પોતાના પરિવારના સભ્યોની સાથે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો છે. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો. બંધારણમાં આપવામાં આવેલા અધિકાર હેઠળ ધર્મ બદલવાની પરંપરા હાથ ધરવામાં આવી હતી.

જુલાઈ ૨૦૧૬માં ચાર દલિત પીડિતોને નિર્દયરીતે માર મારવામાં આવ્યા હતા. ચાર દલિત પીડિતો વસરામ, રમેશ, અશોક અને બેચર નામના યુવકોને અર્ધનગ્ન કરીને તેમને માર મારવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યું હતું. ત્યારબાદ રાજ્યમાં દલિત આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે દોઢ વર્ષ પહેલા ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારોને ગૌરક્ષકોએ બેરહેમીથી જાહેરમાં ઢોર માર માર્યો હતો. જેના વીડિયો વાયરલ થતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો. પરંતુ હવે દોઢ વર્ષ બાદ ફરી ઉનાના સમઢિયાળા ગામ ચર્ચામાં આવ્યું છે. કારણ કે, ઉનાના પીડિત પરિવાર સહિત ૩૦૦ જેટલા લોકોએ વિધિવત્‌ રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો. ઉનાના દલિત પરિવાર સહિતના લોકો દ્વારા બૌધ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવતાં રાજયભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જા કે, આ સમગ્ર કાર્યક્રમમાં દલિત યુવા નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગેરહાજરી સૂચક અને ચર્ચાનો વિષય બની રહી હતી.

ઉનાકાંડના પીડિત પરિવાર દ્વારા આજે રવિવારે પોતાના વતન સમઢીયાળા ખાતે બૌધ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવમાં જાહેરમાં સત્તાવાર રીતે બૌદ્ધ ધર્મ અપનાવાયો હતો. તેમની સાથે દલિત સમાજના ૩૦૦ જેટલા લોકોએ પણ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. સમઢીયાળા ખાતે યોજાયેલા ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં દલિત સમાજની મહિલાઓ, યુવાનો સહિતના લોકો ખૂબ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.