loader

Breaking News


Home > Gujarat > હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આપી ચેતવણી


Foto

હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આપી ચેતવણી

June 28, 2018, 12:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં વરસાદે આગમન કરી દીધુ છે પરંતુ હજુ ઘણા એવા શહેર છે જ્યા વરસાદ સંતાકૂકડી રમતો હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યમાં મોટાભાગનાં શહેરોમાં વરસાદ પડ્યા બાદ ફરી એકવાર બ્રેકની સ્થ્તિ આવી ગઈ છે. જો કે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે.



બીજી બાજુ દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. ગુજરાત ઉપર અપરએર સાયક્લોનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર હજુ પણ સાવધાન છે. રાજ્યના તમામ ભાગોમાં પારો ૪૦થી નીચે પહોંચી ગયો છે. પરંતુ જો ગાંધીનગરની વાત કરીએ તો અહી પારો ૪૦ રહ્યો હતો. અમદાવાદમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને કેટલાક ભાગોમાં તો વરસાદી પ્રકોપની સ્થિતિની પણ શક્યતા હતી કારણ કે, ગુજરાતનાં ચોમાસા માટે બે સીસ્ટમનું જાર બની રહ્યું હતુ પરંતુ આ ખતરો હવે ટળ્યો છે. તેને લઇ હવે રાજયમાં વરસાદી જાર ઘટવાની પૂરી શકયતા છે.

સૂત્રોના મતે, ઉત્તર કોંકણથી દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થઈ ગયું હતું, તેમજ કેરળથી દક્ષિણ ગુજરાતના સમુદ્ર તટમાં પણ ઓફશોર ટર્કની સ્થિતિ છવાયેલી જોવા મળી હતી. આમ આ બંને સિસ્ટમને લઇ ગુજરાતનાં ચોમાસામાં વરસાદી જારની વધુ અસર જાવા મળે તેવી દહેશત પ્રવર્તતી હતી. જો કે, ચોમાસાની વરસાદી પરિસ્થિતિની સમીક્ષા માટે ગઇ કાલે રાજયનાં અધિક મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વરસાદની સ્થિતિ વિષે જાણકારી આપતાં હવામાન વિભાગનાં અમદાવાદ ખાતેનાં ડાયરેકટર ડા. જયંત સરકારે જણાવ્યું હતું કે, સોમવારની સાંજે ગુજરાત પર સ્થિત ઓફ શોર ટર્કનો ખતરો વિખેરાઇ ગયો છે અને હવે અપર એર સાયકલોનિક સરક્યુલેશન પૂર્વ-મધ્ય ગુજરાતથી મધ્ય ભારત તરફ ફંટાયું છે, પરિણામે ગુજરાત રાજયમાં વરસાદનું જોર સોમવારની સરખામણીએ ઓછું થયું છે. જો કે, તેમણે આગામી ૨૪ કલાકમાં પૂર્વીય મધ્ય ગુજરાતનાં વિસ્તારો છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર, તથા ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રનાં પોરબંદર, દ્વારકા, ઓખા ઉપરાંત કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

ઉપરાંત ચોમાસાની શરૂઆત હોવાથી લગભગ રાજ્યમાં સર્વત્ર છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા પણ તેમણે જણાવી હતી. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એન.ડી.આર.એફ.ની ૧૩ ટીમોને આગોતરા પગલાં તરીકે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, સુરત, તાપી, સાબરકાંઠા, છોટાઉદેપુર, ખેડા, વડોદરા અને વલસાડમાં પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે અને તમામ ટીમોને સાબદા રહેવા પણ ખાસ સૂચના જારી કરાયેલી છે.