loader

Breaking News


Home > Gujarat > સરકાર દૂધે ધોયેલી હોય તો મગફળી કાંડની ન્યાયિક તપાસની માગણીથી કેમ ભાગે છે : પરેશ ધાનાણી


Foto

સરકાર દૂધે ધોયેલી હોય તો મગફળી કાંડની ન્યાયિક તપાસની માગણીથી કેમ ભાગે છે : પરેશ ધાનાણી

Aug. 3, 2018, 5:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં થયેલ મગફળી કૌભાંડની તપાસ થાય તે માટે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્ય, કાર્યકરો સાથે શુક્રવારે પેઢલામાં પ્રતિક ઉપવાસ-ધરણાં શરૂ કર્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસ દરમ્યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે, તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ રૂ. ૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનોમાં સંગ્રહીત છે તે તમામ મગફળીના કોથળાઓમાં માટી-ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે.

આ અંગે તમામ કોથળાઓ સરકારી તંત્ર, વિપક્ષ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓ અને મીડીયાના મિત્રોની હાજરીમાં ઊંધા ઠાલવીને મગફળીની ગુણવત્તા ચકાસવા અને ઉચ્ચ ન્યાયપાલિકાના નામદાર ન્યાયાધીશોની અધ્યક્ષતામાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા ગઈકાલ તા. ૨-૮-૨૦૧૮ના રોજ માન. મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી વિનંતી કરેલ છે અને જો ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા આ મગફળી કાંડની તપાસની માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ જગ્યાએ ધરણાં-ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી વિરોધપક્ષના નેતાશ્રીએ ઉચ્ચારી હતી.

વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કર્મચારી અને ગોડાઉનવિહોણી એવી "ગુજકોટ" સંસ્થાને ૫.૩૦ લાખ ટન મગફળી ખરીદવાનું કામ સોંપવામાં આવેલ. બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્થા દ્વારા ૮૭ હજાર ટન મગફળી ખરીદીનું કામ થયેલ. માલિકના બદલે વચેટીયાઓ પાસેથી સરકાર દ્વારા ગોડાઉન ભાડે રખાયા હતા. સરકારી મગફળીને મિલોમાં પીલીને સરકારના મળતિયાઓ માલામાલ થયા ત્યારબાદ નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાથી ભરાયેલ ગોડાઉનોમાં આગ લગાડીને મગફળી ખરીદીમાં ગેરરીતિના પુરાવાઓનો નાશ કરવામાં આવેલ.

આ ગોડાઉનોમાં વીજળીના કનેકશન ન હોવા છતાં ગાંધીધામ, ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગર (હાપા) અને રાજકોટ (શાપર)ના ગોડાઉનોમાં આગ લાગવાની રીત એકસરખી હતી, જે બાબત શંકા ઉપજાવે છે. અગાઉ પણ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બન્યા બાદ પણ સરકારે આ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા રાખવાની સાવચેતી લીધી નહોતી, જે પણ શંકાસ્પદ છે.