loader

Breaking News


Home > Gujarat > ઉદ્યોગપતિઓનું દેવું માફ થાય છે તો ખેડૂતોનું કેમ નહીં : અમિત ચાવડા


Foto

ઉદ્યોગપતિઓનું દેવું માફ થાય છે તો ખેડૂતોનું કેમ નહીં : અમિત ચાવડા

Sept. 5, 2018, 12:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ખેડૂતોના દેવામાફી અને હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં આજે ધરણાં યોજાયા છે. આ ધરણાંમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહીત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા. ધરણા દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂતનો ધર્મ - જાતિ હોતી નથી તે દરેક ધર્મ અને જાતિનો હોય છે. જે સરકારમાં ખેડૂત દુઃખી હોય તેના રાજમાં તમામ ધર્મ અને જાતિના લોકો નારાજ હોવાના. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે ખેડૂતોની શું હાલત છે તે આપણે જાણીએ છીએ. તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી, 16 કલાક વીજળી, યોગ્ય પોષણક્ષમ ભાવ, બેન્કમાંથી ધિરાણ મળતું નથી.

તેઓએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓનું દેવું માફ થાય છે, ટાટાને સસ્તા ટોકન દરે જમીન અપાય છે તો ગુજરાતની ભાજપ સરકાર કેમ ખેડૂતોનું દેવું માફ નથી કરી રહી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, સિંચાઈ માટે યોગ્ય માત્રામાં પાણી અને વીજળી મોકલવામાં આવે. તેમણે ખેડૂતોની લડાઈને સમગ્ર રાજ્યમાં લઇ જવાની જાહેરાત પણ કરી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ખેડૂત દેવામાફી અને પાટીદાર આરક્ષણ મુદ્દે હાર્દિક પટેલ સાથે સરકારે વાત કરવી જોઈએ તેમ રાજીવ સાતવે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહયું હતું કે જો તમે પાકિસ્તાન જઈને નવાજ શરીફ સાથે વાતચીત કરી શકતા હોવ તો હાર્દિક પટેલ સાથે વાતચીત કરવામાં શું તકલીફ છે.